9 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર
આજે
કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને પોરબંદરમાં હીટવેવની આગાહી
રાજકોટ,
તા.12: રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગરમીનું મોજું ફરી વળ્યું છે. માર્ચના પ્રથમ પખવાડિયામાં
જ મે મહિના જેવી તોબા પોકારતી ગરમીનો કહેર વર્તાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે.
દિવસે વધેલી ગરમીનું અસર રાત્રિના સમયે પણ રહી હતી. છેલ્લા ત્રણ દિવસથી હિટવેવના કારણે
શહેરીજનો હેરાન પરેશાન થઇ રહ્યા છે. જેના પગલે સવારથી જ ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો
હતો. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. આજે રાજ્યમાં
42.1 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજ્યના 9 જિલ્લાઓમાં તાપમાનનો
પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો.
રાજકોટ
સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં આકરા તાપની અસર જનજીવન ઉપર પણ દેખાવા લાગી છે. ખાસ
કરીને બપોરે 1થી 4ના સમય વચ્ચે રાજમાર્ગો અને બજારોમાં સાવ ઉડે...ઉડેનો માહોલ નજરે
પડે છે. લોકો તાપથી બચવા માટે ટોપી, ચશ્માનો ઉપયોગ કરવા લાગ્યા છે તેમજ ઠંડાપીણાનો
ઉપયોગ પણ વધી ગયો છે. ઘણા વિસ્તારોમાં તો દિવસે વધેલા તાપમાનની અસર રાત્રીના સમયે પણ
થાય છે અને લોકોને રાત્રે પણ ગરમીના કારણે અકળામણ થઇ રહી છે. હજુ તો માર્ચ મહિનાની
શરુઆત છે ત્યા આવી સ્થિતિ જોવા મળી રહી છે તો મે મહિનામાં ગરમી રેકોર્ડ તોડી નાખશે
તેવી નિષ્ણાતો આગાહી કરી રહયા છે.
હવામાન
વિભાગે ગુરુવારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને પોરબંદરમાં હીટવેવની આગાહી
કરી છે. આ પાંચેય જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના
જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે પરંતુ આગામી
24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સિવિયર
હીટવેવની શક્યતાઓ છે તથા સૌરાષ્ટ્ર કચ્છના બાકીના જિલ્લાઓમાં હીટવેવની સંભાવના વ્યક્ત
કરવામાં આવી છે જોકે ગુજરાત ઉપર આવતા પવનોની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમ તરફથી થઈ છે.
જેને કારણે 24 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતાઓ છે. હાલમાં ગુજરાત ઉપર સર્જાઇ
રહેલી વાતાવરણની સ્થિતિ જોતા ગુજરાતવાસીઓને 24થી 36 કલાક બાદ મહતમ અને લઘુતમ તાપમાનમાં
બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતાઓ છે.
કયા
કેટલી ગરમી?
રાજકોટ 42.1
અમરેલી 41
સુરેન્દ્રનગર 41
પોરબંદર 40.8
કેશોદ 40.8
અમદાવાદ 40.7
ગાંધીનગર 40.6
ભુજ 40.2
વડોદરા 40
ડીસા 40.2