પાલિતાણા, તા. 12: પાલિતાણામાં છ ગાઉની મહાયાત્રા આદિશ્વર દાદાના જયઘોષ સાથે અને જૈનમ જયતી શાસનમ ના નારા સાથે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડયો હતો. યાત્રિકોએ શ્રદ્ધાપૂર્વક વાદળછાયા વાતાવરણની વચ્ચે છ ગાઉની મહાયાત્રા પૂર્ણ કરી હતી અને સિદ્ધવડ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં યાત્રિકોની ભક્તિ માટેના 88 પાલ ઉભા કરાયેલ હતા.
આ પ્રસંગે
મોટાભાગની ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગઈ હતી. યાત્રિકોની સુવિધા માટે શેઠ આણંદજી કલ્યાણજી
પેઢી દ્વારા પાણી, સિક્યુરિટી, મેડિકલ તેમજ પાલની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જે
લોકો યાત્રા કરવા ગયેલા નહીં તેવો સીધા વાહનો દ્વારા આદપુર ખાતે આવી પહોંચેલા હતા.
એસ.ટી. દ્વારા પણ ઢેબરભાઈ મેળા માટે આદપુર જવા વિશેષ વધારાની બસો ચલાવવામાં આવી હતી.
તો મુંબઈ થી યાત્રીકોને લઈને ખાસ વધારાની ટ્રેન પણ પાલિતાણા આવી હતી. આદપુર પાલિતાણાથી
આઠ કિ.મી દૂર છે. આદપુર ખાતે 88 પાલ ઉભા કરવામાં આવેલ. જેમાં દહીં, ઢેબરા, છાશ, ફ્રૂટ,
ગુંદી, સેવ, સાકરનું પાણી, ઉકાળો, સૂકો મેવો, ચા જેવી વિવિધ વસ્તુઓ યાત્રિકોને પીરસવામાં
આવેલ હતી. આ વરસે 45 જેટલા જુદા જુદા જૈન સંઘો દ્વારા સંઘપૂજન કરવામાં આવ્યું હતું.