• શનિવાર, 26 એપ્રિલ, 2025

2 હજાર આરોગ્ય કર્મચારીઓને પાણીચું પાંચ હજારથી વધુને અપાઈ શોકોઝ નોટિસ

બે દિવસ દરમિયાન જો સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહી પાઠવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરાશે : આરોગ્ય કર્મચારી સંઘનો હુંકાર

અમદાવાદ, તા.26: આરોગ્ય વિભાગના આંદોલન પર ઉતરેલા કર્મચારીઓને હવે આંદોલન ભારે પડ્યં છે કેમ કે રાજ્ય સરકારે તેમની સામે પગલાં ભરવાનું શરૂ કરતા આઠ જિલ્લામાંથી કુલ મળીને બે હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવ્યું છે જ્યારે પાંચ હજારથી વધુ કર્મચારીઓને શૉ કોઝ નોટિસ અપાઇ છે.

આ જોતાં આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે ટકરાવ વકર્યો છે. આરોગ્ય કર્મચારીઓએ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી છે. અનેકવાર રજૂઆત કર્યા પછી પણ પ્રશ્નો ઉકેલાયાં નથી પરિણામે આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ પાડી છે.  દસ દિવસ પછી પણ અચોક્કસ મુદતની હડતાળ યથાવત્ રહી છે. આ દરમિયાન, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યુ છે. રાજ્યભરમાંથી આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં અડીંગો જમાવ્યો છે.   દરમિયાન, રાજ્ય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યાં છે. તપાસના અંતે ટર્મિનેટ કરવા હુકમ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના અલ્ટીમેટમને પગલે ઘણાં કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.  

આ તરફ, આરોગ્ય કર્મચારી સંઘે પણ હુંકાર કરતા ચેતવણી ઉચ્ચારી છે કે, બે દિવસ દરમિયાન જો સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહી પાઠવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરાશે. હાલ આઠ જિલ્લામાંથી 2 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયાં છે. 

ઇ-પેપરના નવા શુલ્ક