• શનિવાર, 26 એપ્રિલ, 2025

નગરપાલિકાઓને નવા નગર સેવા સદનના નિર્માણ માટેની સહાયમાં વધારો કેટેગરી વાઈઝ નગરપાલિકાને 3થી 6 કરોડ અપાશે

હાલના સેવા સદનના સમારકામ અને એક્સાપન્સન માટે પણ સહાય અપાશે

અમદાવાદ, તા. 13: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ પોતીકા નવા નગર સેવાસદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સાથે એવો પણ નિર્ણય કર્યો છે કે નગર સેવાસદનના નિર્માણમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો સહિતના લોકો માટે લિફ્ટની સુવિધા તથા ઊર્જા આત્મનિર્ભરતા અને વીજબિલમાં બચત માટે સોલાર સિસ્ટમ કાર્યરત કરવાની રહેશે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત કેચ ધ રેઇન અભિયાનને વેગ આપવા નવા નગર સેવાસદનના બાંધકામમાં વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ પણ ઉભી કરવાના દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યાં છે.  મુખ્યમંત્રીએ કરેલા નિર્ણય અનુસાર રાજ્યની અ વર્ગ તથા બ વર્ગની નગરપાલિકાઓને હાલ નવું નગર સેવા સદન બનાવવા માટે આપવામાં આવતી રૂ. 2 કરોડની સહાયમાં ત્રણ ગણા જેટલો વધારો કરવામાં આવ્યો છે. તદઅનુસાર અ વર્ગની નગરપાલિકાઓને હવે નવું નગર સેવાસદન બનાવવા માટે રૂ. 6 કરોડ તથા બ વર્ગની નગરપાલિકાઓને રૂ. 5 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.

રાજ્યની ક અને ડ વર્ગની નગરપાલિકાઓને પ્રવર્તમાન સ્થિતિએ નવું નગર સેવાસદન બનાવવા માટે રૂ. 1 કરોડની સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરીને હવે ક વર્ગની નગરપાલિકાઓને રૂ. 4 કરોડ અને ડ વર્ગની નગરપાલિકાઓને રૂ. 3 કરોડ મળવાપાત્ર થશે.

 એટલું જ નહિ, મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, નગરપાલિકાઓના હયાત નગર સેવાસદનમાં રિપારિંગ કે એક્સપાન્શન કરવા માટે જે-તે નગરપાલિકાઓને નવા નગરસેવાસદન બનાવવા માટે મળવાપાત્ર રકમના 25 ટકા રકમ આ હેતુસર અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલના ધોરણો મુજબ અ વર્ગની  34 નગરપાલિકાઓ, બ  વર્ગની 37, ક વર્ગ ની 61 અને ડ વર્ગની 17 નગર પાલિકા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક