મામેરાના ડ્રોમાં અમારું નામ ખુલતા 1 કલાક અમારા હર્ષના આંસુ રોકાયા નહોતા : યજમાન ભાવવિભોર
અમદાવાદ, તા.14: આગામી 27 જૂન 2025ના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન
જગન્નાથની 148મી રથયાત્રા અમદાવાદમાં નીકળવાની છે. ત્યારે રથયાત્રાની તૈયારીનો પ્રારંભ
થઈ ગયો છે. ત્યારે ચાલુ વર્ષે સરસપુર ખાતે ભગવાનના મોસાળમાં મામેરાના યજમાન તરીકે વાસણા
વિસ્તારમાં રહેતા જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને લાભ મળ્યો છે.
મામેરાના યજમાન એવા મનીષભાઈ ત્રિવેદીએ
જણાવ્યું હતું કે સરસપુર ખાતે દર વર્ષે જે મામેરાનું આયોજન કરવામાં આવતું હોય છે, તેના
કરતાં અલગ રીતે જ મામેરાનું આયોજન કરવામાં આવશે. છેલ્લા 9 વર્ષથી રાહ જોતા હતા તે પળ
અમારા ભાગ્યમાં આવી છે. સારામાં સારું મામેરું કરીશું એવી ભાવના છે. અમારે ત્યાં કથા
હતી અને રામજીની પોથીમાં અમને સમાચાર મળ્યા કે મામેરાના ડ્રોમાં અમારું નામ ખુલ્યું
છે, ત્યારે મારી આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. 1 કલાક અમારા આંસુ રોકાયા નહોતા.
ત્રિવેદી પરિવારની બહેનો દીકરીઓએ નક્કી કર્યું આ
વર્ષે ક્યારેક કોઈએ ના કર્યું હોય તેવું મામેરું અમે કરીશું. અમે આવતીકાલથી તૈયારીઓ
આરંભી દઇશું તેમજ અમે સોના ચાંદીના દાગીના વાઘા અલગ થીમ પ્રમાણેનું મામેરું કરીશું.
મામેરાના વસ્ત્ર, આભૂષણ સહિતની વસ્તુઓ લોકો દર્શન કરી શકે તેના માટે ચાર દિવસનો કાર્યક્રમ
પણ અમારા વાસણા ખાતે આવેલા ઘરે રાખવામાં આવશે. જાહેર જનતા અને લોકો સારી રીતે દર્શન
કરી શકે તે રીતનો કાર્યક્રમ કરવામાં આવશે.