• શનિવાર, 26 એપ્રિલ, 2025

વેરાવળ-કોડિનાર હાઇવે ઉપર અકસ્માતમાં મદદે ગયેલા લોકોને ડમ્પરે અડફેટે લેતા બેનાં મૃત્યુ

રોષે ભરાયેલા ગ્રામજનોએ બંન્ને મૃતદેહો સાથે રસ્તા ઉપર બેસી ચક્કજામ કરતા પોલીસે દોડી જઈ મામલો થાળે પાડયો

વેરાવળ, તા.15 :વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામના પાટીયા પાસે સોમવારના રાત્રીના દસેક વાગ્યા આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રથમ ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં મદદે ગયેલા સાતેક લોકો ઉપર પાછળથી પુરપાટ આવેલા ડમ્પર પલટી ખાઈને પડી જતા દબાઈ જતા બે લોકોના ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ નીપજયા હતા. જયારે સાત લોકો ઘાયલ થતા સારવાર અર્થે કોડીનાર ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને લઈ રોષે ભરાયેલા ગ્રામજનોએ બંન્ને મૃતદેહોને રસ્તા પર લાવી ચક્કાજામ કર્યો હતો. જેના પગલે દોડતા થયેલા પોલીસતંત્રએ દરમ્યાનગીરી કરી મામલો થાળે પાડયો હતો. 

આ અકસ્માત અંગે સ્થાનીક કરશનભાઈ કામળિયાએ જણાવ્યું કે, ગતરાત્રીના પ્રથમ ઈકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. લોકો ઘટનાસ્થળ પર એકઠા થઈ ઘાયલોની મદદ કરવાની સાથે ઉભા હતા. દરમ્યાન આ સમયે રસ્તા ઉપરથી ટ્રેક્ટર પસાર થઇ રહયું હતું જેને પાછળથી પુરપાટ આવતા એક ડમ્પરે જોરદાર ટક્કર મારતા બીજો અકસ્માત સર્જાયો હતો. તેમાં ડમ્પર પલટી મારી જતા ત્યાં ઉભેલા સાતથી વધુ લોકો ડમ્પર નીચે કચડાઇ ગયા હતા. જેમાં સુભાષ પરમાર અને બાલાભાઈ કલોતરાના મૃત્યુ થયા છે જયારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

સુત્રાપાડા કોડીનાર રોડ પર અબુંજા સિમેન્ટ કંપનીના માતેલા સાંઢની જેમ બેફામ દોડતા ડમ્પરોના કારણે છાશવારે થતા અકસ્માતોમાં લોકોના જીવ જોખમાય છે. ત્યારે ગતરાત્રીના બનેલા અકસ્માતમાં બે નિર્દોષ લોકોના જીવ જતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ગત રાત્રીના જ આવા ડમ્પરોનું પરિવહન ગ્રામજનોએ અટકાવી દીધું અને આજે સવારે બન્ને મૃતદેહોના પી.એમ બાદ પરિવારજનો અને ગ્રામજનોએ મૃતદેહોને રસ્તા પર રાખીને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની માંગ સાથે ચક્કાજામ સર્જી દીધો હતો. ત્યારે સ્થળ પર દોડી આવેલા પોલીસના અધિકારીઓની દરમ્યાનગીરી બાદ મામલો થાળે પડ્યો હતો. 

આ અંગે એલસીબી પીઆઈ અરાવિંદાસિંહ જાડેજાએ જણાવ્યુ કે, ગ્રામજનોની માંગ અંગે ટ્રાન્સપોર્ટર અને કંપની બન્ને સયુંકત રીતે યોગ્ય વળતર માટે કાર્યવાહી કરશે અને જ્યાં સુધી વળતર ના મળે ત્યાં સુધી રસ્તા પર આવા ભારે વાહનોનું પરીવહન અટકાવી દેવા સહમત થયા હતા. બાદમાં બંન્ને મૃતદેહો હટાવી અંતિમવિધિ કરી હતી.

જૂનાગઢનાં કેરાળા ગામે ટ્રેકટર ઉંધું પડતા બે શ્રમિકોનાં મૃત્યુ : 3ને ઈજા

જૂનાગઢ, તા.1પ: જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે ગત મધરાતે એક ટ્રેકટર ઉંધુ પડતા, ટ્રોલીમાં બેઠેલા બે શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે મૃત્યુ થયા હતા અને ત્રણને ગંભીર ઈજા પહોંચતા જૂનાગઢ સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવથી વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે. આ બનાવની વધુ વિગત પ્રમાણે જાફરાબાદનાં ટીંબી ગામના અસ્પાક કાદરભાઈ બમાણી ઉ.રપ તથા ઉનાના વાંકીયા ગામના ભાવેશ કાળુભાઈ પરમાર ઉ.30 સહિતના 10 શ્રમિકો વિપુલ નામના ટ્રેકટર ચાલકનાં ટ્રેકટર નં.એમ.પી.4પ એએ 7047માં મજુરી કામે જૂનાગઢનાં કેરાળા તરફ જઈ રહ્યા હતા. ત્યારે ટ્રેકટર ચાલકએ પોતાનું ટ્રેકટર બેફિકરાઈથી ચલાવતા કાબુ ગુમાવતા ટ્રેકટર ઉંધુ પડતા ટ્રોલીમાં બેઠેલા શ્રમિકો પટકાયા હતા. તેમાં બે શ્રમિકો ટ્રોલી નીચે દબાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવની ગામ લોકોને જાણ થતા દોડી આવ્યા હતા. ટ્રોલી નીચે દબાયેલા અસ્પાક બમાણી તથા ભાવેશ પરમારને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘવાયેલા પાંચને જૂનાગઢ સિવિલમાં ખસેડાતા ફરજ ઉપરના ડૉક્ટરાએ અસ્પાક બમાણી અને ભાવેશ કાળુભાઈ પરમારને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય ત્રણની હાલત ગંભીર જણાતા હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ તાલુકા પોલીસને જાણ થતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા એન મૃતકોના પરિવારજનોને જાણ કરતા તેઓ સવારે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ બનાવમાં પોલીસે મૃતક અસ્પાકના પિતા કાદરભાઈ જમાલભાઈ બમાણીની ફરિયાદના આધારે ટ્રેકટર ચાલક વિપુલવાળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક