• શનિવાર, 10 જૂન, 2023

ગોંડલ યાર્ડમાં 35 હજાર બોકસ કેરીની આવક

ગોંડલથી કેરી પહોંચે છે સાત સમુદ્ર પાર

ગોંડલ, તા.24: સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ગીરની કેસર કેરીની જંગી આવક થવા પામી હતી. ભીમ અગિયારસનો તહેવાર નજીકમાં આવતો હોઇ ગોંડલનું માર્કેટ યાર્ડ કેસર કેરીથી ઉભરાઇ ગયું હતું. છેલ્લા 2-3 દિવસમાં 60 હજારથી વધારે બોકસની આવક થવા પામી છે. ફળોની રાણી ગણાતી કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસથી ચિક્કાર આવક જોવા મળી હતી. આજે મુખ્યત્વે જૂનાગઢ, ગીર, તાલાલા, ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના 35 હજાર જેટલા બોકસની આવક થવા પામી હતી. હરાજીમાં 10 કિલો કેરીના બોકસના ભાવ રૂપિયા 400થી 900 સુધીના ભાવ હતા.

ઉનાળાની મોસમમાં કેરીની સીઝનમાં ભારતીય લોકો કેસરનો સ્વાદ તો માણતા હોય છે પરંતુ હવે સાત સમુન્દર પાર એટલે કે કુવૈત, લંડન, ઓસ્ટ્રેલિયા, દુબઇ, આફ્રીકા શીપ કન્ટેનર તથા એર કન્ટેનર દ્વારા ગોંડલના વ્યાપારીઓ દ્વારા પહોંચતી કરાઇ  છે અને સ્વાદરસીકો સૌરાષ્ટ્રની અસલ કેસરનો સ્વાદ માણે છે.

ગોંડલ યાર્ડમાં બામણાસા, બાબરીયા, ઉના, તાલાલા, જસાધાર, કંટાળા સહિતના પંથકોમાંથી કેસર કેરીની આવક થાય છે. કેરી પકવતા ખેડૂતોને કેરીના સારા એવા ભાવ મળી રહ્યા છે.