• બુધવાર, 21 મે, 2025

સીંગતેલનો ડબો 2021ના વર્ષ પછીના તળિયે : આકરી મંદી ગરમીને લીધે ઘરાકી તૂટી ગઇ, આયાતી તેલમાં મંદી

રાજકોટ, તા.21: (ફૂલછાબ ન્યૂઝ) મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થવાથી સીંગતેલમાં સીઝનના આરંભથી મંદી હતી. જોકે હવે ઘરાકીનો સમય પૂરો થતાં ઓફ સીઝનમાં ભાવ તળિયે જતાં રહ્યા છે. સીંગતેલ 2021ના વર્ષ પછીની તળિયાની સપાટીએ પહોંચી ગયું છે. અધૂરામાં પુરું પામતેલના ભાવ મલેશિયામાં તૂટી પડતા હવે સીંગતેલ સિવાયના તેલમાં પણ વ્યાપક મંદી થઇ ગઇ છે.

સીંગતેલનો ભાવ સોમવારે 15 કિલોના ડબા દીઠ રૂ. 2290-2340 થઇ ગયો છે. સપ્તાહમાં રૂ. 40નો ઘટાડો થઇ ગયો છે. સીઝનનો આરંભ નવેમ્બરમાં થયો ત્યારે ડબો રૂ. 2635-2685માં મળતો હતો. સીંગતેલમાં સીઝન દરમિયાન રૂ. 345ની મંદી આવી છે. એ સાથે ભાવ 2021 પછીના તળિયે છે. છેલ્લે 1 જાન્યુઆરી 2021ના ડબાનો ભાવ રૂ. 2270-2330 થઇ ગયો હતો. અત્યારે તેની નજીક છે.

વેપારીઓ કહે છે, મગફળીના પુષ્કળ ઉત્પાદનને પગલે સીંગતેલમાં પહેલેથી જ મંદી રહી છે. અધૂરામાં પુરું  પામતેલમાં વ્યાપક ભાવ ઘટાડા થતાં અન્ય તેલના ભાવ પણ ઘટયા અને સાથે સીંગતેલ પણ ઘટતું જાય છે. ઘરાકીનો સમય હવે પૂરો થયો છે અને વ્યાપક ગરમી પડી રહી છે એટલે સીંગતેલ ખપતું નથી. સીઝનના આરંભે સીંગતેલમાં નિકાસના સોદા પડયા પછી અત્યારે નિકાસમાં કોઇ પૂછવાવાળું નથી. નિકાસકારો કહે છે, વિશ્વભરમાં મગફળીનો પાક સારો છે એટલે હાલત બગડી છે.

હવે કેરીની સીઝન શરૂ થઇ છે અને ગરમી પણ ખૂબ છે આવી સ્થિતિમાં સીંગતેલ ખપવુ મુશ્કેલ છે. મગફળીની આવક માર્કેટ યાર્ડમાં પુષ્કળ થાયછે. સરકારે નાફેડ વતી પણ 12 લાખ ટન મગફળી ગુજરાતમાં ખરીદી છે. ઉનાળુ વાવેતર પણ ગયા વર્ષથી થોડું જ ઓછું થયું છે એટલે કાચા માલની ઉપલબ્ધિ ખૂબ જ છે. આવી સ્થિતિમાં તેલના ભાવમાં હજુ ડબે રૂ. 50નો ઘટાડો આવી શકે છે. મલેશિયામાં પામતેલના ભાવમાં ઘટાડો થતાં સ્થાનિકમાં કપાસિયા તેલ પણ ઘટી ગયું છે. પામતેલનો ડબો રૂ. 2040-2045 હતો. કપાસિયા તેલનો ડબો રૂ. 2200-2250 અને સૂર્યમુખી તેલનો ડબો રૂ.2140-2160 થઇ ગયો છે. જોકે આ ત્રણેય તેલ ઓક્ટોબર 2023માં યુક્રેન રશિયાના વોરની તેજી પછી તૂટીને અનુક્રમે રૂ. 1335-1340, રૂ.1495-1545 અને રૂ. 1440-1470 થઇ ગયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક