• બુધવાર, 21 મે, 2025

સસ્તા ચાઇનીઝ સ્ટીલની આયાત રોકાતાં ક્રેપ બજારને નુકસાન અટકશે

ભાવનગર પંથકમાં રિરોલીંગ મિલોને બીઆઇએસના નિયમોમાં છૂટ મળે તો રાહત થાય

રાજકોટ,તા.22(ફૂલછાબ ન્યૂઝ) : ક્રૂડ સ્ટીલની આયાત પર સરકારે 12 ટકા કામચલાઉ જકાતની જાહેરાત કરતા નાના સ્ટીલ પ્લાન્ટસને રાહત થઇ છે. ઘણા લાંબા સમયથી ચીન અને વિયેટનામથી સસ્તાં સ્ટીલની ખૂબ આયાત થતી હતી તે હવે કાબૂમાં આવી જવાની ધારણા છે. અલંગમાં શીપ રિસાયક્લિંગ ઉદ્યોગને પણ થોડો ફાયદો મળવાની સંભાવના છે.

અલંગ વિસ્તારમાં જહાજમાંથી કાઢેલા સ્ટીલનો ઉપયોગ રિરોલીંગ મિલોમાં અર્થાત ખીલાસરી બનાવવા માટે થઇ શકતો નથી. એ માટે બીઆઇએસના કડક નિયંત્રણો છે. જોકે ક્રેપના ભાવમાં થોડો સુધારો આવે એવી આશાએ રિસાયક્લિંગ ઉદ્યોગને રાહત મળે તેમ છે. જોકે રિરોલીંગ મિલો બીજા વિસ્તારોમાં ચાલી રહી છે ત્યાં મિલોને ફાયદો મળશે.

અલંગમાં રિરોલીંગ મિલો ઘણા સમયથી બંધ પડી છે. એ માટે કેન્દ્રમાં રજૂઆતો પણ થઇ છે. જોકે ફળ મળ્યું નથી. અલબત્ત ક્રેપની ખપત હવે સસ્તાં સ્ટીલની આયાત મોંઘી થતા વધવાની ધારણા છે.

અલંગમાં કામકાજ વધવા અંગેનો બહુ આશાવાદ નથી. કારણકે ચીનના સસ્તાં સ્ટીલનો હુમલો ભારતીય બજારમાં ચાલુ હતો તે દૂર થતા થોડો સમય લાગી શકે છે. જોકે અલંગમાં મોટાં નહીં પણ નાના અને મધ્યમ જહાજો આવે છે. કદાચ હવે થોડો ફાયદો થઇ શકે છે તેમ ઉદ્યોગના અગ્રણીઓએ કહ્યું હતુ.

રિલાયક્લિંગ ઉદ્યોગમાં ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે મડાગાંઠ છે એ ચિંતાનો વિષય છે. ટેરિફથી પ્રભાવિત સસ્તા ચાઇનીઝ સ્ટીલના વધુ પડતા પુરવઠાને લીધે સ્થાનિકમાં સ્ટીલ બજાર અગાઉથી જ ખરડાયેલી રહી હતી. એમાં ક્રેપનો નિકાલ કરવો મુશ્કેલ બની ગયો હતો. 

અલબત્ત પાકિસ્તાનની તુલનાએ ભારતના શીપબ્રેકરો થોડો ઉંચો ભાવ ઓફર કરવા લાગ્યા છે પણ ક્રેપ જહાજો મળવાનું મુશ્કેલ દેખાય છે. ભારત 455થી 485 ડોલર એલટીડી ઓફર કરે છે. એની સામે બાંગ્લાદેશ 460થી 490 ડોલર આપે છે. જોકે પાકિસ્તાન ભારત કરતા પાછળ 450થી 480 ડોલર આપે છે.

શીપ બ્રેકરો કહે છે, મૂળ મુદ્દો ટેરિફનો છે. ટેરિફ પારસ્પરિક રીતે જો 90 દિવસ પછી મૂળ જાહેરાત પ્રમાણે લાગુ કરવામાં આવે તો રિસાયક્લિંગ માર્કેટ પર વધારે અસર થશે. ખાસ કરીને ફેર વેચાણ કરવામાં આવતી સામગ્રીના વેચાણને ફટકો પડી શકે છે. જહાજના રિસાયક્લિંગ ઉદ્યોગમાં શું થાય તેની અસર માપવી મુશ્કેલ છે.  આગળ વધતા જહાજોના ભાવ પર પણ તેની અસર પડી શકે છે. 

ભારતીય ઉપખંડમાં ખાસ કરીને ચોમાસાને હવે છ સપ્તાહનો સમય બાકી છે એ પૂર્વે રિસાયક્લિંગ ઉદ્યોગમાં વધુ જહાજો આવી જવા જોઇતા હતા પણ ટનેજથી વંચિત રહી ગયા છે. માગ અને ભાવમાં પરિવર્તન નથી. અલંગમાં બહુ ઓછાં પ્લોટસમાં કામકાજ ચાલી રહ્યું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક