વિજળિયા
ગામે ખાનગી સર્વેની જમીનમાં માટી ખનન પ્રાત અધિકારીની ટીમે ઝડપ્યું
ચોટીલા
તા.23 : કોલસાના ખનીજ માફિયાઓ બાદ માટીના ખનન માફિયાઓ ઉપર ડે. કલેક્ટરની તવાઇ બાદ આજે
થાનગઢનાં વિજળિયા ગામે ચાલતા ગે. કા માટી ખનન ઉપર દરોડા પાડી અઢી કરોડનો મુદ્દામાલ
જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખનન માફિયાઓમાં દોડધામ મચી ગઇ હતી
પ્રાપ્ત
માહિતી મુજબ ચોટીલા પ્રાત થાનગઢ પંથકમાં ગે. કા કાર્બોસેલ ઉપર તંત્રનાં દરોડા અને કડક
કાર્યવાહી દરમિયાન એસ. ડી. એમ. એચ. ટી. મકવાણાને ખાનગી રાહે હકીકત મળી હતી કે આ વિસ્તારમાં
સફેદ માટીની પણ મોટા પાયે અનઅધિકૃત ખનન પ્રવૃત્તિઓ કરી ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી
રહ્યા છે. જેના આધારે તેઓએ માહિતી મેળવી આજે વિજળિયા ગામનાં એક ખાનગી સર્વે નંબરની
જમીન ઉપર ચાલતા ગેરકાયદેસર માટી ખનન ઉપર તેમની ટીમ સાથે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ
હતી. આ દરોડા દરમિયાન માટી ખોદકામ માટે વપરાતા બે હિટાચી મશીન તેમજ તેના પાટલા, ડમ્પર
તેમજ અન્ય મળી અંદાજે અઢી કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ
ધરી છે. એકાએક માટી ખનન ઉપર પ્રાત અધિકારીની ટીમ ત્રાટકતા માટી ખનીજ માફિયાઓમાં ચકચાર
સાથે હડકંપ મચી ગયો છે.
મોટા
પ્રમાણમાં ચાલતી આ ગેરકાયદે ખનન પ્રવૃતિ કોઇના આશીર્વાદ વગર અશક્ય હોવાની લોકોમાં ચર્ચા
છે, કેટલાક ખાખી અને ખાદીધારીઓ પણ આ પ્રવૃત્તિ
સાથે સીધા અને આડકતરા સંકળાયેલા હોવાનું કહેવાય છે! સરકારની તીજોરીને અને કુદરતી ખનીજ
સંપદાઓને લૂંટનારા માફિયાઓ ઉપર કોણ કોણ મહેરબાન? તે અંગે ખાનગી તપાસ ચલાવી પગલા ભરવા
જોઈએ. લોકો કહે છે કે જેને મૌકો મલ્યો તેણે હાથ કાળા કરી કટકટાવી લીધા છે! ઉપર સુધી
બધું ચાલતું હોય એટલે આવા લોકોનાં નામ કદી જાહેર થતા નથી તેવું લોકો કહીં રહ્યા છે.
ચોટીલા
પ્રાંતઅધિકારી એ ટૂકા સમયમાં જ ગેર કાયદેસર ખનન પ્રવૃત્તિઓને ડામવા મીશન ઉપાડતા કરોડોની
ખનીજ ચોરી તેમજ કરોડોની મશીનરી જપ્ત કરી કડક કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ
સાથે હડકંપ મચી ગયો છે.