તાલાલા ગીર, તા.24(ફૂલછાબ ન્યૂઝ): તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની હરાજી 26 એપ્રિલ શનિવારથી શરૂ થાય એ પૂર્વે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. યાર્ડમાં ચેરમેન સંજય શીંગાળાના અદ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં કેસર કેરી વેચવા આવતા ખેડૂતો તથા જથ્થાબંધ તથા છુટક વેપારી ભાઈઓ તથા ગ્રાહકોને કોઈ મુશ્કેલી પડે નહીં માટે આગોતરૂ સંપૂર્ણ આયોજન ગોઠવાયું હતું.
તાલાલા પંથકના ખેડૂતો વેચાણ માટે
લાવતા કેરી સારી ગુણવત્તાસભર અને પાકે તેવી લાવવા વેપારીઓએ અનુરોધ કર્યો છે. કેરીની
મોસમ પૂર્વે યાર્ડમાં કેરીનાં જથ્થાબંધ વેપારી ભાઈઓ, કમિશન એજન્ટો તથા કેસર કેરી ને
લગતી વસ્તુઓ સાથે તમામ નાનામોટા ધંધાર્થીઓએ દુકાનો, ઓફિસો કાર્યરત કરી નવા કારોબારની
સંપૂર્ણ તૈયારીઓ કરતાં માર્કેટિંગ યાર્ડ ધમધમતું થવા લાગ્યું છે.
યાર્ડના સેક્રેટરી રમેશભાઈ ડાંડ
કહે છે, ગત વર્ષે 1લીમે થી હરાજીનો શુભારંભ
થયો હતો.આ વર્ષે પાંચ દિવસ વહેલી શરૂ થઈ રહી છે. કેરીની મોસમ 42 દિવસ ચાલી હતી. આ દરમિયાન
10 કિલોના 5 લાખ 96 હજાર 700 બોક્સની આવક થઈ હતી. કિસાનોને 41 કરોડ 77 લાખથી પણ અધિક
આવક થઈ હતી. કેસર કેરીનો પાક આ વર્ષે ખૂબ જ ઓછો હોય કેરીના ભાવ ગત્ વર્ષ કરતાં વધુ
રહે તેવો અનુભવીઓ અંદાજ વ્યક્ત કરી રહ્યા છે.