• ગુરુવાર, 19 જૂન, 2025

રાજકોટમાં ગટર પ્રશ્ને જૈનસાધ્વીજીએ પણ ઉપવાસ પર ઉતરવું પડયું!

કિરણબાઈ મહાસતીજીએ અન્નજળનો ત્યાગ કરી દેતાં કોર્પોરેશનના અધિકારી-પદાધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ હરકતમાં આવ્યાં

ભૂગર્ભ ગટર જેવી બાબતે સાધ્વીજીએ પણ ઉપવાસ કરવા પડે તો સામાન્ય વ્યક્તિને કોણ સાંભળે?

રાજકોટ, તા.15 : સ્માર્ટ સિટીની હરણફાળ ભરી રહેલા રાજકોટ શહેરમાં સ્વચ્છતા મુદ્દે માત્ર શહેરીજનો જ નહીં પરંતુ જેમની ઉપર લાખો શ્રાવકોની શ્રદ્ધા જોડાયેલી છે તેવા જૈન સંપ્રદાયના મહાસતીજીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. તંત્રને ઠંઢોળવા માટે તેઓને ઉપવાસ ઉપર પણ ઉતરવું પડે તે ખરેખર આ રાજકોટની કમનસીબી છે.

શહેરના વોર્ડ નં.9માં વિતરાગ-નેમિનાથ સોસાયટીમાં જૈન સમુદાય માટે ‘અરિહંત’ આરાધના ભવન આવેલું છે હાલ ત્યાં જૈન સમુદાયના કિરણબાઈ મહાસતીજી બિરાજમાન છે.આ આરાધના ભવનના આંગણે છેલ્લા કેટલાક સમયથી ભૂર્ગભ ગટરનું ગંદુ પાણી ઉભરાતું હતું. આ મુદ્દે બિલ્ડીંગના લોકોએ અલગ-અલગ 4 ફરિયાદો કરી હતી પરંતુ કુંભકર્ણની નિદ્રામાં સુતેલા મ્યુનિ.તંત્રના સબંધિત વિભાગે તે ફરિયાદો ઉપર ધ્યાન દોર્યુ ન હતું.  દરમિયાન ઉભરાતી ગટર અને માથુ ફાડી નાખે તેવી દુર્ગંધના કારણે અંતે ખુદ કિરણબાઈ મહાસતીજીએ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે છેલ્લા 4 દિવસથી અન્નજળ ત્યજી દીધા હતાં. આ અંગેની જાણ શ્રાવક અલ્પેશભાઈ મહેતાને થતાં તેઓએ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ ઉપરાંત કોર્પોરેશનના સબંધિત અધિકારીઓ તેમજ મીડિયાનું ધ્યાન દોર્યુ હતું. મહાસતીજીના ઉપવાસના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં અંતે રાજકીય અગ્રણીઓ, મ્યુનિ.અધિકારીઓ અને પદાધિકારીઓ હરકતમાં આવ્યાં હતાં અને તુરંત ભૂર્ગભ ગટરનું સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.

વોર્ડ નં.9ના ભાજપના કોર્પોરેટર જીતુભાઈ કાટોળિયા અને ભરતભાઈ દોશીએ અંતે મહાસતીજીને પારણા કરાવ્યાં હતાં અને મહામાંગલિક ફરમાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક