• ગુરુવાર, 19 જૂન, 2025

ગુજરાતમાં આગામી 7 દિવસ અનેક સ્થળે વરસાદની આગાહી ચોમાસાનું આગમન પણ ગુજરાતમાં વહેલું થવાની સંભાવના

માવઠાની આગાહીના પગલે તાપમાનમાં ઘટાડો : રાજ્યમાં 40 ડિગ્રીથી નીચે મહત્તમ તાપમાન નોંધાયું

અમદાવાદ, તા. 16: આંદામાન-િનકોબાર ટાપુ પર વહેલું ચોમાસું પહોંચ્યું છે તેમજ આ વર્ષે પરિબળો સાનુકૂળ હોવાથી રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હાલમાં 22 મે સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 15 જુન બાદથી જ ચોમાસાનું આગમાન થતું હોય છે પરંતુ આ વખતે વાતાવરણમાં એવા પલટા આવ્યા છે જેના કારણે ચોમાસું વહેલા આવશે. ગુજરાતમાં 15 જૂન પહેલા ચોમાસું પ્રવેશી શકે છે. સાથે જ રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

આજે રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો 40 ડિગ્રીથી નીચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં રાજકોટ અને ડીસામાં મહત્તમ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે અમદાવાદમાં 38.8, અમેરેલીમાં 38.8, બરોડામાં 37.2, ભાવનગરમાં 38.3, દીવમાં 33.7, ગાંધીનગરમાં 38.4, કંડલામાં 38.5 તેમજ સુરતમાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. 

દરમિયાનમાં આજે વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરના ગ્રામ્ય વિસ્તારોમાં મોસમથી અચાનક બદલાયેલા વાતાવરણ વચ્ચે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કપરાડા તાલુકાના અંધાર પાડા, વારણા, મોરખલ, ભંડાર કચ્છ, કોઠાર અને ઓજર જેવા વિસ્તારોમાં તેમજ ધરમપુર તાલુકાના ખડકી, મધુરી, ઉલ્લાસ પિંડી સહિત મહારાષ્ટ્ર બોર્ડર નજીકના ગામડાઓમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અચાનક વરસેલા વરસાદને કારણ નદી-નાળાઓમાં પાણીની આવક વધી છે. છેલ્લા 4 દિવસથી બપોર પછી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે કેરી તેમજ લીલા શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની શક્યતા ઉદભવી છે. ભરઉનાળે આવી વરસાદી સ્થિતિ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહી છે.

હવામાનની આગાહી કરતી સ્કાયમેટે એજન્સી બાદ ભારતીય હવામાન વિભાગે પણ આગામી ચોમાસાને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103% સાથે ચોમાસુ સામાન્ય જઇ શકે છે. જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 105% સાથે ચોમાસુ સામાન્ય વધુ સારું રહી શકે છે. સ્કાયમેટ પ્રમાણે, ચોમાસાને ખરાબ કરનાર અલનીનો આ વખતે સક્રિય નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક