સૌરમંડળની દિવ્ય રચના ઉપર આધારિત આ ગેલેરી એક અદ્ભુત શૈક્ષણિક અને માહિતીસભર બની રહેશે
અમદાવાદ, તા.15:
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ
કાર્યરત સાયન્સ સિટી, અમદાવાદમાં એક નવીનતમ ગેલેરી, એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ
ગેલેરી 15મી મે થી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકાઈ છે. સૌરમંડળની દિવ્ય રચના ઉપર આધારિત
આ ગેલેરી એક અદ્ભુત શૈક્ષણિક અને માહિતીસભર બની રહેશે. સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના
અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે, આજે ત્રીજી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ ગેલેરી
મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે.હાલ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે. જેથી કરીને
વેકેશનના સમયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો લાભ લઈ શકશે. આ ઉપરાંત
વિદ્યાર્થીઓ માટે વિશેષ એક્ટિવિટી અને 3- ડી ફિલ્મનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કુલ 12,797 ચોરસ મીટરના વિસ્તારમાં આવેલી આ ગેલેરીમાં મધ્યમાં સૂર્યનું પ્રતિનિધિત્વ
કરતો, ત્રણ માળ જેટલો ઊંચો વિશાળ ગ્લોબ આવેલો છે, જેની ફરતે અન્ય ગ્રહોની ગોઠવણ પણ
જોઈ શકાય છે. ત્રણ માળની બનેલી આ ગેલેરીમાં છ મુખ્ય વિભાગો આવેલા છે. આ સાથે ફંડામેન્ટલ્સ
એન્ડ હિસ્ટ્રી વિભાગમાં 47 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે, જે એસ્ટ્રોનોમીના મૂળ સિદ્ધાંતો
અને તેના ઇતિહાસની માહિતી આપે છે. ગેલેરી વિભાગમાં વર્તમાન સમયને અનુલક્ષીને અવકાશ
મિશન અને તેને લગતી શોધોના 30 જેટલા વિવિધ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે
ફ્યુચર ગેલેરી વિભાગમાં સંશોધનના ભાવિ દૃષ્ટિકોણને ખ્યાલમાં રાખી 24 એક્ઝિબિટ્સ બનાવવામાં
આવ્યાં છે.
બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું
આકર્ષક સ્થળ બનશે
ભારતના એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સના યોગદાનને ધ્યાને રાખી ખાસ વિજ્ઞાન
ગેલેરી પણ બનાવવામાં આવી છે, જેમાં વિવિધ 32 એક્ઝિબિટ્સનો સમાવેશ થાય છે. સ્ટેરલર ગેલેરીમાં
વિવિધ તારાઓ અને તારામંડળોની રચનાની માહિતી આપતા 8 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે. વર્ચ્યુઅલ
રિયાલિટી ગેલેરીમાં અવકાશનો વર્ચ્યુઅલ પ્રવાસ કરાવતા 4 એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત ચાર એટ્રિયમ આધારિત અને 6 આઉટડોર ઈન્સ્ટોલેશન પણ મુલાકાતીઓને યુનિક અનુભવ
આપશે.