• ગુરુવાર, 19 જૂન, 2025

માવઠાનું સંકટ યથાવત્ : રાજ્યમાં આજથી એક સપ્તાહ ગાજવીજ સાથે વરસાદ વરસશે આજે 20 જિલ્લામાં છુટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા

અમદાવાદ, તા.18 : રાજ્યમાં કમોસમી વરસાદ યથાવત છે, અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદથી ખેડૂતો પણ પરેશાન થઈ ગયા છે. હવામાન વિભાગની નવી આગાહી અનુસાર તા.24 મે સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. આવતીકાલે 20 જિલ્લામાં છુટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી લઈ છુટા છવાયા વરસાદની સંભાવના છે. ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ પણ રાજ્ય પર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 22 મેથી ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરી છે.

કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કેરીના પાકમાં 50 અને તલના પાકમાં 40 ટકાનું નુકસાન થયાનો  અંદાજ છે.  પપૈયામાં 20, કેળામાં 15 અને ડાંગરના પાકને 15 ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. હાલ તો સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

આ વખતે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલા થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચ્યા પછી ચોમાસુ 8 જુલાઈ સુધીમાં અન્ય રાજ્યોને આવરી લે છે, તેમ આઈએમડીએ જણાવ્યું હતું. 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાન થઈને પરત ફરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થાય છે. હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં કરેલી આગાહીમાં આશા વ્યક્ત કરી હતી કે 2025માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આ કારણે અલ નીનોની અસર નકારી કાઢવામાં આવી રહી છે, કારણ કે અલ નીનોની અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી રહ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક