• ગુરુવાર, 19 જૂન, 2025

2029 સુધીમાં દેશમાં 2 લાખ નવી પ્રાથમિક સહકારી મંડળી, ડેરી શરૂ કરાશે : અમિત શાહ અમદાવાદ ખાતે ગુજરાત સહકારી મહાસંમેલનનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

આઝાદીનાં 75 વર્ષ પછી દેશને પ્રથમ સહકાર યુનિવર્સિટીની ભેટ મળી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, તા.18:   અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા સહકારી મહાસંમેલન યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સહકારી માળખાને વધુ મજબૂત બનાવવાની હાકલ કરતાં અમિત શાહે  જણાવ્યું કે વર્ષ-2029 સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં પીએસીએસ રજિસ્ટર કરી 2 લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું આયોજન છે. એટલું જ નહીં, આ મંડળીઓ બીમાર ન પડે એટલે તેના વિકાસ માટેની નીતિ પણ ઘડવામાં આવશે. આ પ્રાથમિક સહકારી મંડળીઓ પ્રાકૃતિક ખેતીની સમજ પણ આપશે.

  મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ- 2025ની આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે પણ સહકાર ક્ષેત્ર વર્ષ 1900માં હતું, એટલું જ પ્રાસંગિક છે.તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકારી ચળવળને પુનર્જીવિત કરવાનો સમય આવ્યો છે, ત્યારે સહકારથી સમૃધ્ધિ અને વિકસિત  ભારતમાં સહકારની ભૂમિકા  સૂત્રને સાર્થક કરવા ગામડાની પ્રાથમિક સહકારી મંડળીઓને મજબૂત બનાવવી આવશ્યક છે. આ માટે સહકારી માળખાનો વ્યાપ વધારવા પર ભાર મૂકતાં તેમણે સહકારી ક્ષેત્રમાં જે પરિવર્તનો આવ્યાં છે તેને ગામડાઓ અને ખેડૂતો સુધી પહોંચાડવા સહકાર પ્રશિક્ષણ અને પારદર્શકતા જરૂરી હોવાનું જણાવ્યું હતું.

       તેમણે ત્રિસ્તરીય સહકારી માળખાના બદલે ચાર સ્તરીય સહકારી માળખાની વાત કરી, રાષ્ટ્રીય કક્ષાએ પણ સહકારી માળખાને મજબૂત બનાવવા જણાવ્યું હતું. સહકારિતાને શાસન હિસ્સો બનાવી પારદર્શકતા અને પ્રામાણિકતા સાથે આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો.ગુજરાતમાં ત્રિભોવનભાઈ પટેલના નામથી સહકાર યુનિવર્સિટીની શરૂઆત કરવામાં આવી છે, જેનાથી સહકારી શિક્ષણ ક્ષેત્રે ગુજરાત લીડ લેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

       મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યમાં 89 હજારથી વધુ સહકારી સંસ્થાઓ સાથે 1.70 કરોડ જેટલા સભાસદો સહકારી માળખા સાથે સંકળાયેલા છે.આઝાદીનાં 75 વર્ષ પછી દેશને પ્રથમ સહકાર યુનિવર્સિટીની ભેટ મળી છે.તેમણે વડાપ્રધાનના નેતૃત્વમાં ’સહકારથી સમૃદ્ધિ’ના મંત્રને ચરિતાર્થ કરી, વિકસિત ભારત -2047ના સંકલ્પને સાકાર કરવા સાથે મળીને આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ તકે રાજ્યભરમાંથી આવેલા આશરે 4500થી વધુ સહકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક