• ગુરુવાર, 19 જૂન, 2025

શ્રમિકો માટે રાત્રે સાડા દસ સુધી ખુલ્લી રહે વેરાવળ ગ્રામ પંચાયત

ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિકો, ખેડૂતો દિવસે કામ પૂર્ણ કરી રાતે આરામથી દાખલા કઢાવવા સહિતની સેવાઓ લઈ શકે

રાજકોટ, તા. 18:  સામાન્ય રીતે ગ્રામ પંચાયત કે સરકારી કચેરીનો સમય સવારે 10.30થી સાંજ 6.10નો હોય છે. પરંતુ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગ્રામ પંચાયત નાગરિકોની સેવા માટે દિવસે રાજિંદા સમયની સાથે રાતે 10 કે 10.30 સુધી ચાલુ રહે છે. આથી ગામમાં રહેતા કામદારો, ખેડૂતો, નાગરિકો દિવસે પોતાના કામ પુરું કરીને રાતે આરામથી પંચાયતની સેવાઓ લઈ શકે છે. 

આ અંગે ગામના સરપંચ રવિરાજાસિંહ જાડેજા જણાવે છે કે, વેરાવળ પંચાયત વિસ્તારની વસતી આશરે 65 હજાર જેટલી છે. આ વિસ્તારમાં લઘુ ઉદ્યોગોની સંખ્યા મોટી છે અને ગામમાં કારખાનાના શ્રમિકોની સંખ્યા વધુ છે. પંચાયતની સેવાઓ માટે શ્રમિકોને કપાત પગારની રજા ના પાડવી તે હેતુથી રાતે મોડે સુધી પંચાયત ખુલ્લી રાખવામાં આવે છે. મહિનામાં આશરે 2000થી 2500 નાગરિકો રાત્રિ સેવાનો લાભ લે છે. 

કેટલા સમયથી રાત્રિ પંચાયત ચાલે છે તે અંગે તેમણે કહ્યું કે, 7 માર્ચ 2024ના રોજ ગ્રામ પંચાયતના નવા બિલ્ડિગનું લોકાર્પણ મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે થયું હતું. ત્યારથી તલાટી તેમજ સ્ટાફ સાથે મળીને, સામાન્ય નાગરિકોની સેવા માટે રાતે મોડે સુધી પંચાયત ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.   ગામમાં કુલ 11 હજાર જેટલા નળ કનેક્શન છે. ઝુંપડપટ્ટી વીજ કનેક્શન યોજના હેઠળ સાડા ચાર હજાર વીજજોડાણ આપવામાં આવ્યા છે. 

આટલી કામગીરી રાત સુધી ચાલે છતાં સવારે કચેરી સમયસર ખુલે

શ્રમિકો, ખેડૂતોને સરળતા રહે તે માટે રાતે 10 કે 10.30 સુધી જરૂરિયાત મુજબ પંચાયતની કામગીરી ચાલુ રહે છે. જેમાં આવકના દાખલા, નોન ક્રિમિલેયર સર્ટી, રાશનકાર્ડ ઈ-કેવાયસી, ખેડૂતોને વિવિધ યોજનાઓ, સહાય માટેના ફોર્મ ઓનલાઈન ભરી આપવા, લગ્ન સર્ટી, જન્મ-મરણના દાખલા, પંચાયતના વિવિધ વેરાની વસૂલાત સહિતની કામગીરી થાય છે. રાતે મોડે સુધી નાગરિકોના કામ થતા હોવા છતાંય સવારે પંચાયત કચેરી નિયત સમયે ખુલી જાય છે અને રાજિંદી કામગીરી શરૂ થઈ જાય છે.

ઈ-શ્રમ કાર્ડની કામગીરીમાં  વેરાવળ પંચાયત પ્રથમ

રાજકોટ જિલ્લામાં ઈ-શ્રમ કાર્ડની કામગીરીમાં વેરાવળ પંચાયત પ્રથમ સ્થાને રહી છે. વેરાવળમાંથી 3816 ઈ-શ્રમકાર્ડ નીકળ્યા છે. પંચાયત તરફથી કાર્ડની કલર પ્રિન્ટ કાઢીને, લેમિનેશન કરીને શ્રમિકોને આપવામાં આવે છે. ઉપરાંત 4942 રાશનકાર્ડ ઈ-કેવાયસી સાથે વેરાવળ પંચાયત રાજકોટ જિલ્લામાં અવ્વલ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

હેલ્પલાઈન નંબર કરાયો પ્રસિધ્ધ વોટ્સએપ પર પણ ફરિયાદ થાય

લોકો સુવિધાઓને લગતી ફરિયાદો કરી શકે તે માટે હેલ્પલાઈન નંબર 97122, 99298 જાહેર  કરવામાં આવ્યો છે. લોકો એસ.એમ.એસ. કે વોટ્સએપ પર ફોટો-વીડિયો-મેસેજ મોકલીને ફરિયાદ કરી શકે છે. ફરિયાદના નિવારણ પછી પંચાયતમાંથી કોલ કરીને પ્રતિભાવ લેવામાં આવે છે અને ફરિયાદ નિકાલનું સમર્થન મળ્યા પછી ફરિયાદ ક્લોઝ કરવામાં આવે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક