એજન્સી માલિક, દેવગઢ બારીઆના અઙઘ, ધાનપુરના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીની પણ ધરપકડ : આ કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપીની ધરપકડ
(ફૂલછાબ
ન્યૂઝ)
વડોદરા
તા.19: દાહોદ મનરેગા કૌભાંડમાં ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડની મુશ્કેલી વધતી
જઇ રહી છે. આ કેસમાં પહેલા પોલીસે તેમના મોટા પુત્ર બળવંત ખાબડની અને હવે તેમના નાના
પુત્ર કિરણ ખાબડને પણ ઝડપી પાડ્યો છે. વડોદરા-કાલોલ હાઈવે પર પોલીસે તેને વહેલી સવારે
ઝડપી પાડ્યો હતો. હાલ તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરાઈ છે. કિરણ ખાબડ સાથે ધરપકડ
કરાયેલા લોકોમાં કિરણ ખાબડ, દેવગઢબારિયાના એપીઓ દીલિપ ચૌહાણ, ધાનપુર તાલુકા વિકાસ અધિકારી
અને હાલના નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.એન.રાઠવાનો સમાવેશ થાય છે.
મનરેગા
યોજના હેઠળ દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં 2021થી 2025 દરમિયાન કરોડો રૂપિયાની
ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ કૌભાંડમાં 35થી વધુ એજન્સીઓ સામેલ
હોવાની આશંકા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, કામો કર્યા વિના બિલો ઉપાડી લેવામાં
આવ્યા હતા, જેમાં 300થી વધુ ચેકડેમ બનાવ્યાનો દાવો કરીને 16 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં
આવી હતી. આ ઉપરાંત, જોબ કાર્ડમાં બનાવટી એન્ટ્રીઓ, શ્રમિકોની સંખ્યામાં ખોટો વધારો
અને નબળી ગુણવત્તાના કામો દ્વારા સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસે
અગાઉ આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત
ખાબડ, ટેક્નિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલનો સમાવેશ થાય છે.
હવે વધુ ચાર આરોપીઓની ધરપકડ સાથે પોલીસે તપાસને વધુ તેજ કરી છે. કિરણ ખાબડની ધરપકડ
વડોદરા-કાલોલ હાઈવે પર વહેલી સવારે કરવામાં આવી હતી. ઉપરાંત એજન્સી માલિક પાર્થ બારીઆ,
દેવગઢ બારીઆના એપીઓ દિલિપ ચૌહાણ અને ધાનપુરના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી તેમજ હાલના
નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.એન.રાઠવાનો સમાવેશ થાય છે. આ ધરપકડ સાથે આ કેસમાં ઝડપાયેલા
આરોપીઓની સંખ્યા 11 પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત, 35 એજન્સીઓના પ્રોપ્રાઈટરોને શોધવાની
કામગીરી ચાલુ છે, અને પોલીસને આશંકા છે કે આ કૌભાંડમાં 40થી વધુ આરોપીઓ સામેલ હોઈ શકે
છે.