• ગુરુવાર, 19 જૂન, 2025

અંજારનાં મેઘપરમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ સીમા ઓળંગ્યા બાદ મુંબઇ-અમદાવાદ, અંતે અહીં આવી

(ફૂલછાબ ન્યૂઝ)

ગાંધીધામ, તા. 19 : અંજાર તાલુકાના મેઘપર કુંભારડીની શિવ સોસાયટીમાં રહેનાર ત્રણ બાંગલાદેશી મહિલાઓને પોલીસે પકડી પાડી પૂછપરછ બાદ ત્રણેયને ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

મેઘપર બોરીચીની શિવ સોસાયટીના એક મકાનમાં છેલ્લા કેટલાક દિવસથી ત્રણ મહિલા રહેવા આવી હતી. શંકાસ્પદ લાગતી આ મહિલાઓ અંગે પોલીસને બાતમી મળતાં પોલીસે ત્યાં જઇ મહિલાઓને પોલીસ મથકે લઇ જવાઇ હતી જ્યાં બાંગલાદેશના જુદા જુદા પ્રાંતની રીટા અખ્તર અલનુર સામિયા, ટુમ્પા ખાતુન એલીબોક્સ સરદાર (મુસ્લિમ) તથા હાસના ખાતુન મોહમદ કરીમ મલિક નામની મહિલાઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

આ ત્રણેયના આધાર-પુરાવાની તપાસ કરાતાં તે બાંગલાદેશી હોવાનું બહાર આવ્યું હતું. ગમે તે રીતે આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગીને આ ત્રણેય પહેલાં મુંબઇ પહોંચી હતી, ત્યાં રહ્યા બાદ અમદાવાદ આવી હતી જ્યાં થોડો સમય વીતાવી છેલ્લા કેટલાક દિવસથી અહીં મેઘપર કુંભારડીમાં આવી મજૂરીકામ કરીને રહેતી હતી.

આ ત્રણેય મહિલાઓને સ્થાનિક અંજારની પોલીસે એસ.ઓ.જી.ના હવાલે કરી હતી. પોલીસે ત્રણેયનો ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા માહોલમાં ત્રણ બાંગલાદેશી મહિલા ઝડપાતાં ભારે ચકચાર પ્રસરી હતી. આ કાર્યવાહીમાં અંજાર પી.આઇ. એ. આર. ગોહિલ અને ટીમ જોડાઇ હતી.

વડોદરામાં રેલવે સ્ટેશન પરથી બાંગ્લાદેશી કિશોરી પકડાઈ

વડોદરા, તા.19: ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને પકડવાની ઝુંબેશ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 2 ઉપર એક કિશોરી એકલી બેઠેલી જોવા મળી હતી. પોલીસે કિશોરીની પૂછપરછ કરતા તેનું નામ ડોલી હોવાનું જણાવ્યું હતું અને તે પોતે નડિયાદ રહેતી હોવાની વાત કરી હતી. રેલવે પોલીસે કિશોરીની સાથે રાખીને નડિયાદ પહોંચી તપાસ કરતા તેનું ઘર બંધ હતું અને પડોશીઓએ જણાવ્યું હતું કે, કેટલાક લોકોને નડિયાદ ટાઉન પોલીસે પકડ્યા છે. જેથી, વડોદરા રેલવે પોલીસે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરી કરતા રીનાબેન જાહીર મોનડલ (રહે. મૂળ રહે. માગુરા, ખુલના, બાંગ્લાદેશ) નામની મહિલા પકડાઈ છે. જેણે ડોલીને પોતાની દીકરી તરીકે ઓળખાવી હતી. જેથી પોલીસે બાંગ્લાદેશી કિશોરીને નડિયાદ પોલીસને સોંપી દીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક