બન્ને પગ સીટ ઉપર રાખી, ઊંધા સૂતા સૂતા પૂરપાટ ઝડપે 20 યુવાનો ચલાવતા હતા બાઈક, યુવકની હાલત ગંભીર
જામનગર,તા.20
જામનગર - રાજકોટ હાઈ-વે ઉપર હ્રદય હચમચી જાય તેવો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે
જઈ રહેલા એક પછી એક બાઈક સડસડાટ રસ્તા ઉપર પાણીના રેલાની જેમ જતા હતા તેમાં એક બાઈક
થોડું રોંગસાઈડ ગયું અને સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાતાં બાઈક સવાર નીચે પટકાયો
હતો. તેને ગંભીર હાલતમાં જામનગરની ગુરુ ગોવિંદસિંહજી
હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે આ અકસ્માત પાછળ યુવાનોની બેજવાબદાર હરકત જવાબદાર છે.
હાઈ-વે ઉપર આ યુવાનો બાઈક પર સ્ટંટ કરી રહ્યા હતા. એક વાયરલ વીડિયોમાં જે દૃષ્ય છે
તે મુજબ બાઈક સવાર યુવાનો ના બન્ને પગ સીટ ઉપર છે. તેઓ સૂતા સૂતા અનિયંત્રિત ગતિથી
બાઈક દોડાવે છે. બાઈક આમ-તેમ થાય છે. સડસડાટ જતા આ બાઈક્સમાંથી એક ટ્રક સાથે ટકરાયું
અને આ અકસ્માત બન્યો હતો. બાઇકના ચાલક અંકિત દિલીપભાઈ મકવાણા નામના 18 વર્ષના યુવાનને
ગંભીર ઇજા થઈ હતી. બાદમાં તેને લોહી લુહાણ હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને હાલ તેની આઇ.સી.યૂ.
સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા પંચકોષી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ
લાંબરીયા બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને સમગ્ર અકસ્માતના બનાવ
અંગે વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં નવાગામ
ઘેડ- હનુમાન ચોક વિસ્તારમાં રહેતો ઈજાગ્રસ્ત યુવાન અંકિત મકવાણા અને તેની સાથેના અન્ય 20 જેટલા યુવાનો કે જેઓ શનિવારે
રાત્રે લૈયારા નજીક એક ઉર્ષના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા અને ત્યાંથી તમામ
યુવાનો પોત પોતાના બાઈકની રેસ કરીને જામનગર પરત ફરી રહ્યા હતા, જેમાં એક યુવાન પોતાના
મોબાઈલ ફોનમાં વિડીયો પણ ઉતારી રહ્યો હતો. દરમિયાન અંકિત મકવાણા એક ટ્રક સાથે અથડાઈ
ગયો હતો. હાલ અંકિત આઇ.સી.યુ.માં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે. સ્ટંટનો વિડિયો
સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. સમગ્ર અકસ્માત મામલે પોલીસ વધુ તપાસ ચાલી રહી છે.