કાટમાળ હટાવી ત્યાં દીવાલ બનાવાશે, તમામ કામગીરી 2 દિવસમાં જ પૂરી કરાશે : 7 ફેઝમાં કાંકરિયાની જેમ ચંડોળા તળાવને ડેવલપ કરાશે
અમદાવાદ,
તા. 20: અમદાવાદમાં ચંડોળા તળાવની આસપાસ મોટા પ્રમાણમાં ઊભી થયેલી ગેરકાયદે વસાહતોને
દૂર કરવા માટે ડીમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પહેલા તબક્કામાં આશરે
1.5 લાખ ચો.મી જમીન ખુલ્લી કરવામા આવી હતી. ત્યારે બીજા તબક્કામાં 2.5 લાખ ચો.મી જમીન
ખુલ્લી થશે તેવો અંદાજ સેવાય છે. આજે વહેલી સવારથી ડિમોલીશનની કામગીરી શરુ કરવામાં
આવી હતી. ચંડોળા તળાવના મેગા ડિમોલિશનના પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અને પોલીસ દ્વારા બડા તળાવની આસપાસનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. મળતી માહિતી
અનુસાર, 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કાટમાળ હટાવી ત્યાં દીવાલ બનાવાશે તથા 2 દિવસમાં
જ સંપૂર્ણ ડિમોલિશન કામગીરી પૂર્ણ કરાશે. બાદમાં 7 ફેઝમાં કાંકરિયાની જેમ ચંડોળા તળાવને
ડેવલપ કરાશે. સરકાર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી
ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી માઈકથી જાણ કરવામાં
આવે છે કે 20 મે પહેલાં ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે. જે
લોકો વર્ષ 2010 પહેલાં રહેતા હોય તેમને શરતોને આધીન ઇડબ્લયુએસ આવાસ યોજનાના મકાન મળવાપાત્ર
હોવાથી દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે એવી પણ જાહેરાત કરવામાં આવી
હતી. આ ડીમોલિશન દરમિયાન અંદાજિત 8000 કાચા પાકા બાંધકામ દૂર કરાશે. આજે આશરે 3000
પોલીસ કર્મીઓ, 25 એસઆરપીની ટુકડી, એએમસીના અધિકારીઓ કામગીરી દરમિયાન હાજર રહ્યા હતા.
આજે પણ ડીમોલિશન મટે 50 જેસીબી અને હિટાચી મશીનોનો ઉપયોગ કરાયો હતો.