રાજ્યમાં 32 દર્દી હોસ્પિટલમાં અને 948 દર્દી હોમ આઇસોલેસન હેઠળ
અમદાવાદ, તા.8 : રાજ્યમાં કોરોના
હવે બેકાબૂ બન્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના નવા 185 કેસ નોંધાતા
કોરોનાના કુલ કેસનો આંક 1,007 થયો છે અર્થાત છેલ્લા ત્રણ દિવસમાં જ કોરોનાએ 1000નો
આંક વટાવ્યો છે. રાજ્યમાં નોંધાયેલા કુલ 1,007 પૈકી 980 એક્ટિવ કેસ છે, જેમાંથી 32
દર્દી હોસ્પિટલમાં અને 948 દર્દી હોમ આઇસોલેસન હેઠળ સારવાર લઈ રહ્યા છે. જ્યારે 27
દર્દી આજે ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા કેસમાં
સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 9, ભાવનગરમાં 5 અને જામનગરમાં 4 કેસ નોંધાયેલા છે. જેમાં રાજકોટમાં
એક 16 વર્ષીય સગીરા, એક યુવતી, બે પ્રૌઢા, એક વૃદ્ધા અને 4 વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યા
છે. જેમાંથી એક વૃદ્ધ વેન્ટીલેટર ઉપર સારવારમાં છે. આ તમામ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી
નથી. આ સાથે રાજકોટમાં કુલ કેસનો આંક 95 થયો
છે, જે પૈકી 51 દર્દી અત્યારે સારવારમાં છે.
ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાંથી
55 વર્ષીય પુરુષ, આંબાવાડી વિસ્તારમાંથી 45 વર્ષીય સ્ત્રી, આંબાવાડી વિસ્તારમાંથી
67 વર્ષીય વૃદ્ધ, વિદ્યાનગરમાંથી 70 વર્ષીય વૃદ્ધા અને અનંતવાડીમાંથી 24 વર્ષીય યુવાન
સહિત કુલ 5 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ભાવનગરમાં કોરોનાના
કુલ 23 દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. જામનગરમાં પટેલ કોલોનીમાંથી 83 વર્ષીય
વૃદ્ધ, લાલપુર બાયપાસ ચોક વિસ્તારમાંથી 39 વર્ષીય યુવાન, ગુરુદ્વારા રોડ વિસ્તારમાંથી
50 વર્ષીય મહિલા તેમજ હીરજી મીસ્ત્રી રોડ પરથી 21 વર્ષીય યુવતી કોરોનાગ્રસ્ત હોવાનું
સામે આવ્યું હતુ. આ સાથે શહેરમાં કુલ કેસનો આંક 69 થયો છે અને અત્યારે 48 દર્દી સારવારમાં
છે.
સરકારી દાવા પ્રમાણે કોરોનાથી
એક પણ મૃત્યુ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયું નથી. જોકે રાજ્યમાં કોરોનાના સતત વધતા
કેસને લઈને આરોગ્ય વિભાગ સજાગ થઈ ગયો છે અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાને લગતી સારવાર
માટે તૈયારી કરી દેવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓ માટે ખાંસી- છીંક
દરમિયાન મોં ઢાંકવું, જાહેર સ્થળોએ થૂંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝરનો
ઉપયોગ કરવો તેમજ કો-મોબીડ કન્ડિશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા
લોકોએ ભીડભાળ વાળી જગ્યાએ જવાનું ટાળવું તેવા સૂચનો પણ કર્યા છે.