ગત વર્ષે સરેરાશ 700 રૂપિયાની સરખામણીએ આ વર્ષે 560 રૂપિયા બોક્સનો ભાવ આવ્યો
તાલાલાગીર, તા. 8: તાલાલા માર્કેટીંગ
યાર્ડમાં આ વર્ષે પાંચ દિવસ વહેલી શરૂ થયેલી કેસર કેરીની સીઝન નું આજે 44મા દિવસે સમાપન
થયું છે. આ સીઝનમાં યાર્ડમાં 25 કરોડ 17 લાખ રૂપિયાની કેસર કેરીનું વેચાણ નોંધાયું
હતું. જોકે ગત વર્ષ કરતા 1.47 લાખ બોક્સ વેચાણમાં ઓછા આવ્યા હતા.
તાલાલા યાર્ડમાં છેલ્લા દિવસે
એક હજાર 850 બોકસ વેચાણમાં આવ્યાં હતાં.જેમા સારી કેરીનું રૂ.1150 માં વેચાણ થયું હતું
જ્યારે નબળી કેરી રૂ.300 સાથે સરેરાશ રૂ.700 માં વેચાણ થયું હતું. તા.26 મી એપ્રીલ
થી શરૂ થયેલી કેસર કેરીની સીઝન તા.08 જુન એટલે કે 44 મા દિવસે પુરી થઈ હતી. આ દરમિયાન
10 કિ.ગ્રામના 4 લાખ 49 હજાર 450 બોક્સની આવક થઈ હતી. જે ગત વર્ષ
કરતાં એક લાખ 47 હજાર 250 બોક્સ ઓછા છે.
ગત વર્ષે તાલાલા યાર્ડમાં 42
દિવસ સિઝન ચાલી હતી.આ દરમિયાન પાંચ લાખ 96 હજાર 700 બોક્સ વેચાણમાં આવ્યા.ગત વર્ષે
કેરીના એક બોકસનો સરેરાશ ભાવ રૂ.700 આવ્યા હતા.તેની સરખામણીએ આ વર્ષે યાર્ડમાં સરેરાશ
એક બોકસનો ભાવ રૂ.560 રહ્યો જે ગત વર્ષ કરતાં ખુબ જ ઓછો છે. સિઝન દરમિયાન કેસર કેરીના
ઉત્પાદક કિસાનો યાર્ડમાં ચાર લાખ 49 હજાર 450 બોક્સ વેચાણમાં લાવ્યા હતા જેનો સરેરાશ
એક બોક્સના રૂ.560 આવતાં કેરીના ઉત્પાદક કિસાનોને યાર્ડમાંથી કેરીની કુલ રૂ.25 કરોડ
17 લાખની આવક થઈ છે.
આ વર્ષે કેરીનો પાક માત્ર 25 થી 30 ટકા થયો હતો જેથી
ઉત્પાદનમાં ખુબ જ ઘટાડો થયો છે.તાલાલા યાર્ડમાં ગત્ વર્ષની સરખામણીએ કમોસમી વરસાદને
કારણે સરેરાશ ભાવ ખુબજ ઓછા આવતા ખેડૂતોને આર્થિક ભારે નુક્સાન થયું છે
ઓછા ભાવે કેરી વેચવા ખેડૂતો મજબૂર
બન્યા
તાલાલા પંથકમાં કાર્યરત તથા બહારના
કાનિંગ પ્લાન્ટ માટે યાર્ડ ઉપરાંત તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી કેરીની વ્યાપક
પ્રમાણમાં ખરીદી થઈ હતી. આંકોલવાડી ગીર,સુરવા ગીર વિસ્તારમાંથી પણ વિપુલ જથ્થામાં કાનિંગ
પ્લાન્ટો દ્રારા કરવામાં આવી હતી. ખરીદીના ભાવો ખુબ જ ઓછાં હોવા છતાં ખેડૂતોએ મને કમને
કેરીનું વેંચાણ કરવું પડ્યું હોઈ ખેડૂતોમાં નિરાશા જોવા મળતી હતી. એક સમયે આંકોલવાડી
વિસ્તારમાંથી માત્ર રૂ.400 થી 450માં 21 કિલો લેખે કેરી ખરીદી હતી જે બટેટા કરતા પણ
ઓછાં ભાવ હોય છતાં પણ ખેડૂતોએ ભારે હૈયે કેરીનું વેંચાણ કરવા મજબુર બનવું પડ્યું હતું.
તાલાલામાં 15 લાખથી વધુ કેસર
કેરીના આંબા
તાલાલા પંથકના 45 ગામની ખેડવાણલાયક
કુલ 26534 હેકટર જમીન પૈકી 12200 હેક્ટર માં 15 લાખથી વધુ કેસર કેરીના વૃક્ષો આવેલા
છે ત્યારે કેસર કેરીના પાકનું કિસાનો ઘર આંગણે જ સરળતાપૂર્વક વેચાણ કરી શકે માટે સરકાર
સંચાલિત કાનિંગ પ્લાન્ટ શરૂ કરવા તથા કેસર કેરીના પાકનો પાક વીમા યોજનામાં સમાવેશ કરવાની
કેસર કેરીના ઉત્પાદક કિસાનોની વર્ષો જૂની માંગણીની અમલવારી કરવા માગણી ઉઠી છે.