અજાણી વ્યક્તિએ ઈમેલ કર્યો : ડોગ- સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચાકિંગ પણ કશું મળ્યું નહીં
અમદાવાદ,
તા.9 : દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા ઈમેલ દ્વારા કોઈને કોઈ જાહેર જગ્યાઓને બોમ્બથી
ઉડાડી દેવાની ધમકી મોકલી લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવી જ એક ઘટના આજરોજ
સોમવારે અમદાવાદમાંથી પણ સામે આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની
ધમકી આપવામાં આવી હતી. હાઈકોર્ટના રજીસ્ટર મેઇલ આઇડી પર ઘમકીભર્યો ઈ-મેલ મળતા કોર્ટના
ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસને જાણ કરાતાં સોલા પોલીસ હાઈકોર્ટ પહોંચી
હતી અને ડોગ-સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા
સઘન ચાકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ કશું મળ્યું ન હતું.
ઝોન-1ના
ઈન્ચાર્જ ડીસીપી સફીન હસન જણાવ્યું હતું કે હાઇકોર્ટના ઈમેલ પર અજાણી વ્યક્તિએ ઈમેલ
કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ધમકી મળતા હાઈકોર્ટના ગેટ બંધ કરી પોલીસ દ્વારા
તપાસ કરવામાં આવી હતી. બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝેબલ ટીમની ગાડી અને ફાયરની ગાડી હાઈકોર્ટ
પહોંચી હતી. હાઈકોર્ટ સ્ટાફ પ્રવેશનો ગેટ નંબર-5 બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે
કોર્ટમાં પ્રવેશતા વાહનોનું પણ ચાકિંગ કરવામાં આવ્યું હતું.
ગુજરાત
હાઇકોર્ટને મળેલી બોમ્બથી ઉડાવવાની ધમકીને મામલે ગુજરાત હાઇકોર્ટની આજની કામગીરી પ્રભાવિત
થઇ હતી. જેમાં રિસેસ બાદ કોર્ટને બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. તથા હાઇકોર્ટના
રજિસ્ટ્રી વિભાગે સત્તાવારે નોટિફિકેશન બહાર પાડયું હતું. કોર્ટમાં ઉપસ્થિત વકીલોને
પણ કોર્ટ છોડવા સૂચન કરાયું હતું અને હાઇકોર્ટ બિલ્ડિંગની અંદર અને તેની આસપાસ સઘન
સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગ રૂપે, પરિસરમાં પ્રવેશતા તમામ
વાહનોની તપાસ કરવામાં આવી હતી અને મુલાકાતીઓને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યા
હતા. અમદાવાદ પોલીસ અને ગુજરાત એટીએસના વરિષ્ઠ અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે
ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી,
પરંતુ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી છે અને ઈમેલના મોકલનાર સૂધી પહોંચવા માટે તપાસ
શરૂ કરવામાં આવી છે.