32 જળાશયમાં એક ટીપું પણ પાણી બચ્યું નથી, 15 જૂન સુધીમાં વરસાદ નહીં થાય તો સમસ્યા વિકટ બનશે
રાજકોટ,
તા.9 : ઉનાળાના વિદાય સમયે સૌરાષ્ટ્રના જળાશયોની હાલત કફોડી બની છે અને 25 જૂન સુધીમાં
વરસાદ નહીં થાય તો પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા અંઁધાણ મળી રહ્યાં છે. રાજકોટ, મોરબી,
જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેદ્રનગર જિલ્લાના કુલ 81 જળાશયોમાં સરેરાશ 20 ટકા પાણીનો
જથ્થો ઉપલબ્ધ છે. આ પૈકી 32 જેટલા જળાશયો સંપૂર્ણપણે ખાલી હોવાથી તેના પર આધારિત વિસ્તારોમાં
પાણીની સમસ્યા જોવા મળી રહી છે.
રાજકોટ
સિંચાઈ વર્તુળ હેઠળ આવતા રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેદ્રનગર જિલ્લામાં
આવેલા આ 32 ડેમમાં હવે પાણી બચ્યું નથી. જો વરસાદ વધુ સમય ખેંચાય તો આ ડેમો હેઠળ આવતા
ગામડાઓમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે. રાજકોટ જિલ્લામાં જળાશયોમાં સૌથી
વધુ પાણી છે, જે 36.65 ટકા નોંધાયું છે. રાજકોટ જિલ્લાના 27 જળાશયમાં સરેરાશ 36.65
ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ જિલ્લાના 5 મહત્ત્વના જળાશયો, જેમાં કરમાળ, વેણુ-2,
ડોંડી, ખોડાપીપર અને માલગઢ ડેમનો સમાવેશ થાય છે, તે સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે. મોરબી
જિલ્લાના 10 જળાશયમાં 18.26 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. જોકે, આ જિલ્લાના 4 ડેમ,
જેમાં ધોડાધ્રોઇ, બંગવાડી અને મચ્છુ-2 જેવા ડેમોનો સમાવેશ થાય છે, તે પણ ખાલી છે.
જામનગર
જિલ્લાના કુલ 21 જળાશયોમાં સરેરાશ 17.80 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જિલ્લાના કુલ 21
જળાશયમાંથી 11 જળાશય, જેમાં આજી-4, રંગમતી, કંકાવટી, ઉંડ-2, વાડીસંગ, રૂપાવટી, સસોઈ-2
અને વગડિયાનો સમાવેશ થાય છે, તે પાણીવિહોણા બન્યા છે. જામનગર શહેર અને દેવભૂમિ દ્વારકાના
અમુક વિસ્તારો માટે આ ડેમો પાણીનો મુખ્ય સ્ત્રોત છે.
દેવભૂમિ
દ્વારકા જિલ્લાના 12 જળાશયોમાં માત્ર 3.58 ટકા પાણીનો સંગ્રહ છે. અહીં સાની, વર્તુ-1,
ગઢકી, સોનમતી, શેઢા ભાડથરી, વેરાડી-1, સિંધણી, કાબરકા અને મીણસાર સંપૂર્ણપણે ખાલીખમ
છે. આના કારણે દેવભૂમિ દ્વારકા અને આસપાસના પવિત્ર યાત્રાધામોમાં પાણીની સમસ્યા વિકટ
બની શકે છે.
સુરેન્દ્રનગર
જિલ્લાના 11 જળાશયમાં 26.53 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આ જિલ્લાના 6 ડેમ, જેમાં મોરસલ,
સબુરી, વિવેથીદડાળા, ભોગાવો-2, ધારી અને નિભણી ડેમનો સમાવેશ થાય છે, તે પણ સંપૂર્ણપણે
ખાલી પડયા છે.