ગુજરાતમાં 12થી 18 જૂન દરમિયાન ચોમાસું આવવાની સંભાવના
અમદાવાદ,
તા.9: ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે હવામાન
વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી સાત દિવસ વરસાદ થવાની આગાહી આપી છે. આ સાથે
અમદાવાદમાં આગામી 24 કલાકમાં તાપમાન વધીને 41 ડિગ્રી થવાની આગાહી છે. ગુજરાતમાં હાલ
વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજના કારણે વરસાદ પડી રહ્યો છે. હવામાન
વિભાગે ગુજરાતમાં ચોમાસું આવવાની સંભવિત તારીખ પણ દર્શાવી છે.
હવામાન
વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે આજે આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું
છે કે, આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં
હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, 12 જૂન સુધી દરિયાકાંઠા વિસ્તારમાં
વરસાદી માહોલ રહેશે. ગુજરાત પર હાલ વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. ઉત્તર ગુજરાતમાં
ગરમી પડવા માટે ઉત્તર તરફથી ગરમ પવનોને કારણે તાપમાન વધી રહ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું
કે, ગુજરાતમાં 12થી 18 જૂન દરમિયાન ચોમાસું આવવાની સંભાવના છે.
હવામાન
વિભાગે આપેલા વેધરમેપ પ્રમાણે, તા. 10, 11 અને 12મી તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,
તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે
હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે 13મી તારીખથી ફરી વરસાદનું જોર
વધવાની આગાહી છે. આ તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ,
છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા
સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
14મી
તારીખે ઉત્તર ગુજરાતના ભાગોનો પણ સમાવેશ થશે. આ તારીખે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ,
અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી,
ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે
હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે 15મી તારીખે રાજકોટ, જૂનાગઢ, ગીર
સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ,
દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા
સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.