• ગુરુવાર, 19 જૂન, 2025

વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા વાયદાઓનો વેપાર : મતદારો મૌન

ભાજપ અને આપ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ

જૂનાગઢ, તા.10:વિસાવદર  વિધાનસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો અને આગેવાનો મતદારોને રીઝવવા વાયદાઓનો વેપાર શરૂ કર્યો છે પણ મતદારોમાં આ વાયદાઓ બેઅસર હોય તેમ મતદારોએ સૂચક મૌન ધારણ કર્યુ છે અને મુખ્ય ઉમેદવારોને આવકારી રહ્યા છે, પરિણામે આ બેઠક ભરેલા નાળિયેર જેવી બની છે.

વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી નિશ્ચિત બનતા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા તેઓ દ્વારા છેલ્લા એક-દોઢ માસથી પ્રચાર-પ્રસાર શરૂ કર્યો. જ્યારે ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારીપત્ર નોંધાવવાના અંતિમ દિવસની પૂર્વ રાત્રીના ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે તેજ બતાવે છે કે, ઉમેદવાર જાહેર કરવાથી ક્યાંક આંતરિક ભડકાની ભાજપ અને કોંગ્રેસ બન્નેને ડર સતાવતો હતો. ભાજપએ અત્યાર સુધીમાં અન્ય પક્ષના રપ જેટલા નેતાઓને પક્ષમાં સમાવ્યા તેમાં વાયદા મુજબ અમલ કર્યો છે પણ વિસાવદર પેટા ચૂંટણી અપવાદ છે કે, વાયદો નિભાવાયો નથી. હક્કદારને યેનકેન પ્રકારે ચૂંટણી ન લડવા રાજી કર્યા હશે ! પણ તેમની રાજકીય કારકિર્દીનું શું ? આ પ્રશ્ન પક્ષાંતર કરનારાઓને સતાવી રહ્યો છે.

આ બેઠક ઉપર ભાજપએ પોતાના ઉમેદવારને વર્ષ ર017માં આ બેઠક ઉપરથી લડાવેલા અને કોંગ્રેસના ઉમેદવાર સામે પરાજયનો સ્વાદ ચાખવો પડયો હતો. આ પરાજીતને પક્ષને ફરી તક આપી તો વર્ષ ર0રરમાં આપ સામે હારેલા અને ભાજપમાં ભળેલા હર્ષદ રીબડીયા દાવેદાર હતા છતાં તેમની ઉપેક્ષા કરવામાં આવી છે. ભાજપએ આ બેઠકને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો છે. પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તથા 40 જેટલા સ્ટાર પ્રચારકોને પ્રચારમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી અને કોંગ્રેસ દેખાડા વગર પ્રચાર કરી રહ્યા છે. સમગ્ર મત વિસ્તારમાં રાજકીય લોકોની ચહલ-પહલ, સભાઓ યોજાઈ છે. છતાં મતદારેનો મિજાજ કંઈક અલગ દેખાય છે. આમેય આ બેઠકના રાજકીય ઈતિહાસ ઉપર નજર કરીએ તો કોઈ પક્ષનો ગઢ બન્યો નથી. બે દસકા બાદ ભાજપ આ બેઠક કબજે કરવા એડીચૌટીનું જોર લગાડયુ છે છતાં ભરેલા નાળિયેર જેવી આ બેઠકની સ્થિતિ બની છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક