રાજકોટ, તા.10: (ફૂલછાબ ન્યૂઝ) ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર પધરામણી પૂર્વે આ વખતે નોંધપાત્ર વરસાદ થઇ શક્યો નથી એટલે આગોતરા કે ઓરવીને થતા વાવેતરમાં 42 ટકા જેટલો ઘટાડો દેખાયો છે.પાણીની સગવડ ધરાવતા ખેડૂતોએ આગોતર વાવેતર કર્યું છે એટલે થોડોઘણો વાવેતર વિસ્તાર દેખાયો છે. ચોમાસાનું આગમન ગુજરાતમાં 15 જૂન આસપાસ થવાની આગાહી છે એટલે ખેડૂતો હવે વાવણીનું જોખમ લેવાનું શરૂ કરી રહ્યા છે. કૃષિ ખાતાએ વ્યક્ત કરેલા આંકડાઓ પ્રમાણે 77,067 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરી લેવામાં આવ્યું છે. જે અગાઉના વર્ષમાં 1,31,027 હેક્ટરમાં હતુ. પાછલા વર્ષે મે મહિનાના ત્રીજા સપ્તાહમાં છૂટોછવાયો પણ વાવણીલાયક વરસાદ થઇ ગયો હતો. એનો ફાયદો ઉઠાવીને ઘણા ખેડૂતોએ વાવેતર કરી લીધાં હતા. ચાલુ વર્ષે પરિસ્થિતિ અલગ છે. મે મહિનાના અંતે વરસાદની આગાહી થઇ હતી પરંતુ વરસાદ પડ્યો નહીં પરિણામે ખેડૂતો વાવણી કરી શક્યા નથી.
ચાલુ વર્ષે આગોતર વાવેતરમાં મગફળી
અગ્ર સ્થાને રહી છે. 31,110 હેક્ટરમાં ખેડૂતોએ મગફળી લઇ લીધી છે. પાછલા વર્ષમાં 37
હજાર હેક્ટર આસપાસ વાવણી હતી.કપાસનું વાવેતર પાછલા વર્ષમાં 76,863 હેક્ટરમાં રહ્યું
હતુ તેની સામે 34,011 હેક્ટર સુધી પહોંચ્યું છે. વાવેતર વિસ્તાર અર્ધો જ દેખાય છે.
અલબત્ત ખેતી ક્ષેત્રના જાણકારોએ કહ્યું હતુ કે, 20 જૂન સુધી વાવણીલાયક પ્રથમ વરસાદ
નહીં થાય તો કપાસનું વાવેતર એ પછી વેગથી થશે. જો વહેલો વરસાદ થાય તો મગફળીનું વાવેતર
વધારે થશે.
ચોમાસાના આરંભે શાકભાજી અને ઘાસચારા
પાકનું વાવેતર શરૂ થઇ ગયું છે. જે પાછલા વર્ષ જેવું છે. શાકભાજીનું 5100 હેક્ટર અને
ઘાસચારાનું 6400 હેક્ટરમાં વાવેતર થયું છે. કપાસ અને મગફળીના આગોતરા વાવેતરનો ટ્રેન્ડ
સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોમાં જ છે એટલે સૌરાષ્ટ્રમાં વાવણી દેખાય છે. જોકે વરસાદ
પછી જ 95 ટકા વાવેતર આપણે ત્યાં થતા હોય છે એટલે હવે દસ પંદર દિવસ પછી વાવેતરના આંકડાઓ
સ્પષ્ટ અને નોંધપાત્ર આવશે.