• રવિવાર, 13 જુલાઈ, 2025

એર ઈન્ડિયા પર 2.69 કરોડના નુકસાનના વળતરનો દાવો કરાશે

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 97 જેટલા તબીબી વિદ્યાર્થીઓને થયેલા નુકસાનનું વળતર મગાશે

સિવિલ હોસ્પિટલ દ્વારા ગોલ્ડન અવર્સમાં 71 ઇજાગ્રસ્તને સારવાર અપાઈ જેમાંથી 3ના મૃત્યુ થયા

અમદાવાદ, તા.18: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં તા. 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુ:ખદ દુર્ઘટના દરમિયાન 97 જેટલા  તબીબી વિદ્યાર્થીઓ, જુનિયર તબીબોને અંદાજીત કુલ રૂ. 2.69  કરોડનું નુકસાન થયું છે. જેની પોલીસ ફરિયાદની કાર્યવાહી તો હાલ ચાલુ જ છે, પરંતુ હોસ્ટેલમાં થયેલ નુકસાન તેમજ અન્ય સંપત્તિના નુકસાન સંદર્ભેની વિગતો મેળવીને રાજ્ય સરકાર દ્વારા વળતર માટેનો ક્લેઇમ એર ઈન્ડિયાને કરવામાં આવશે, એમ આજે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. 

તેમણે જણાવ્યું હતું કે, વિમાન દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને ગોલ્ડન અવર્સમાં સમયસર અને શ્રેષ્ઠ સારવાર આપીને સિવિલ હોસ્પિટલ તંત્રએ શ્રેષ્ઠત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેના પરિણામે જ ઘટનાની ફક્ત 45 થી 50  મિનિટમાં સિવિલ હોસ્પિટલમાં આવેલા 71 જેટલા દર્દીઓને સઘન સારવાર આપીને તેમાંથી 68 ના જીવ બચાવવામાં સફળતા મળી છે.જે પૈકી 6 દર્દીઓને ઓ.પી.ડી.માં સેવાઓ આપવામાં આવી, બાકીના 65 દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા. જેમાંથી 1 દર્દીનું તા.12 જૂન, 1 દર્દીનું 15 જૂને તથા તા. 17 જૂને એક દર્દીનું અવસાન થયું છે. હાલ 68 દર્દીઓ પૈકી 49 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે,19 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 7 દર્દીઓ સિવિલમાં અને અન્ય દર્દીઓ અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાહત અને બચાવ કામગીરીની વિગતો આપતાં મંત્રીએ કહ્યું હતું કે, આ ઘટનામાં 139થી વધુ ફાયર વાહનો, 612થી વધુ ફાયર કર્મચારીઓ, 679 સેના કર્મીઓ, 100થી વધુ એમ્બ્યુલન્સ, 591થી વધુ આરોગ્ય કર્મચારીઓ, 25 જેટલી ટ્રોમા ટીમ તથા 36થી વધુ ફોરેન્સિક નિષ્ણાતો રાત દિવસ 24 બાય 7 કામગીરી કરી છે.

પરિવારોને સહાયતા માટે શરૂ કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર પર 14 હજારથી વધુ કોલ્સનો સંતોષકારક જવાબ અપાયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક