• રવિવાર, 20 જુલાઈ, 2025

દિવેલની નિકાસમાં વેગ, એરંડામાં તેજી

એરંડાનું ઉત્પાદન નબળું છે અને હવે આવક તૂટવાથી થયેલી તેજીમાં કિસાનો ખુશખુશાલ

રાજકોટ, તા.28(ફૂલછાબ ન્યૂઝ) : લાંબા સમયથી તેજીની રાહ જોઇ રહેલા એરંડાના ખેડૂતો રાજી રાજી થઇ ગયા છે. જૂન મહિના દરમિયાન એરંડાના ભાવમાં મણ દીઠ 100 રૂપિયાનો વધારો થતા ખેડૂતોને હવે વધુ સારા વળતરની આશા બંધાઇ છે. ચાલુ વર્ષે ઉત્પાદન ઓછું છે અને હવે નિકાસ વધારે થતા તેજી થઇ છે. ઉલ્લેખનીય છેકેએરંડા ભલે અખાદ્ય તેલીબિયા છે પણ ફાર્મા ઉદ્યોગ સહિત ક્રૂડ તેલના ઉત્પાદનમાં પણ દિવેલનો ઉપયોગ થાય છે. ગુજરાત એરંડાના ઉત્પાદનમાં 80 ટકા કરતા વધારે હિસ્સો ધરાવે છે.

એરંડાના પાકને બે ત્રણ વર્ષ સુધી સાચવી રાખવામાં આવે તો પણ એમાં બગાડ થતો નથી. વળી, ખેડૂતોને ઉત્પાદન ખર્ચની સામે વળતર પણ સારું મળતું હોવાથી ખેડૂતોનું આકર્ષણ સદાયને માટે જળવાયેલું છે. એરંડાની નવી આવક ફેબ્રુઆરીમાં થઇ ત્યારથી ભાવ દબાણ હેઠળ હતા. જોકે આવક તૂટવાને લીધે હવે તેજી આવી છે. એરંડાનો ભાવ માર્કેટ યાર્ડમાં મહિનામાં રૂ. 100 વધીને જતા રૂ. 1300-1340 બોલાવા લાગ્યા છે. કિસાનોને હવે સારું વળતર મળતું થયું છે. દિવેલનો ભાવ પણ તેજી સાથે રૂ.1385-1387 સુધી પહોંચી ગયો છે.

એરંડાની તેજી થવા પાછળ બે કારણ મુખ્ય છે. ચાલુ વર્ષે 15 લાખ ટન જેટલું ઉત્પાદન પાલાખાધ સર્જે તેવો ભય છે. ઉત્પાદનની તુલનાએ વપરાશ બેથી અઢી લાખ ટન જેટલો વધારે છે. જૂનો સ્ટોક પણ નહીવત બચ્યો હતો. એ કારણથી હવે નિકાસના જોરે તેજી આવી છે. દિવેલની નિકાસ પણ સારી

રહી છે.

ભારતમાંથી દિવેલની નિકાસ જાન્યુઆરીથી મે મહિના સુધીના પાંચ મહિના દરમિયાન 3,08,699 ટનની કરવામાં આવી છે. જે ગયા વર્ષમાં 2,93,420 ટનની રહી હતી. દિવેલની નિકાસ ભારતમાંથી ચીનમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે. માલ ઓછો છે અને ચીનની માગ હજુ જળવાશે એમ લાગતા તેજી આગળ ધપી શકે છે તેમ નિકાસકારોએ કહ્યું હતુ.

એરંડાનું વાવેતર જુલાઇથી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી થાય છે. 7 લાખ હેક્ટર આસપાસ ગુજરાતમાં વાવેતર થાય છે. એ દરમિયાન એરંડાનો ભાવ ઉંચો રહે તો વાવેતરમાં વૃદ્ધિ થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક