• રવિવાર, 20 જુલાઈ, 2025

પૂર્વ TPO સાગઠિયા સામે ED ચલાવશે મની લાન્ડરીંગનો કેસ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ આપી મંજૂરી, હવે જનરલ બોર્ડની મંજૂરી લેવાશે

રાજકોટ તા.2 : મનપાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેશનના પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયા સામે મની લોન્ડરીંગ હેઠળ કેસ ચલાવવા ઈડીએ માંગેલી મંજૂરી અંગેની દરખાસ્તને શાસકોએ મંજૂર કરીને આગામી તા.20 આસપાસ મળનારા જનરલ બોર્ડની મંજૂરી અર્થે મોકલી દીધી છે. નોંધનીય છે કે, સાગઠિયા વર્ગ-1ના કર્મચારી હોવાથી તપાસ લેવા મંજૂરી લેવી પડે છે.

વર્ષ 2024ના ટીઆરપી ગેમઝોન અગ્નિકાડમાં 27 લોકો ભૂંજાઈ ગયાં હતાં. અગ્નિકાંડ  બાદ કોર્પોરેશનના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને મુખ્ય આરોપી જાહેર કરીને તેમની સામે 3 જેટલા ફોજદારી કેસ પોલીસે નોંધ્યા છે જેમાં ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ એક તેમજ ભારતીય દંડ સહિતા હેઠળ બે કેસ દાખલ કરાયાં છે. ઉપરોક્ત કેસોની તપાસમાં સામે આવ્યું હતું કે, સાગઠિયાએ રૂ.28 કરોડ આસપાસની અપ્રમાણસરની મિલકતો એકઠી કરીને તેને પોતાની પત્ની અને પુત્રના નામે વસાવી હતી જે અંગેની જાણ એસીબીએ ઈડીને કરી હતી . હાલ ઈડી દ્વારા અગ્નિકાંડ બાદ નોંધાયેલા ગુના, એસીબીના કેસ પરથી ધરપકડ કરાયેલા અધિકારી એમ.ડી.સાગઠિયા સામેની તપાસ ચાલુ કરવામાં આવી છે. સાગઠિયા સામે મની લોન્ડરીંગનો પણ ગુનો હોવાથી પ્રોસીક્યુશન ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલુ છે આથી કલમ 4 હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી માંગવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગે આ અંગેનો પત્ર મોકલ્યો છે. સાગઠિયા વર્ગ-1ના કર્મચારી હોવાથી સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની મંજૂરી લેવાની જોગવાઈ છે. આથી આ દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી જનરલ બોર્ડમાં મોકલી દીધી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક