અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છતાં સાહસ અને માનવતા દાખવીને એક વ્યક્તિને બચાવી
વડોદરા, તા.11 : ગણપતાસિંહ રાજપૂત-40
વર્ષીય એક સામાન્ય ટ્રક ડ્રાઈવર, જે દહેજથી કંડલા બંદર ટેન્કર ટ્રકમાં સલ્ફયુરિક એસિડ
લઈને જઈ રહ્યા હતા પરંતુ મુજપુર-ગંભીરા બ્રિજ પર બનેલી ગોઝારી ઘટનાએ તેમના જીવનમાં
અણધારી આફત સર્જી હતી. આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા તેમ છતાં તેમણે અદમ્ય
સાહસ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું છે. ઘટના એટલી ભયાવહ હતી કે બ્રિજ પરથી નદીમાં
ખાબક્યા બાદ ગણપતાસિંહને લગભગ 15 મિનિટ સુધી ભાન જ નહોતું. શરીરને એકાએક ઠંડક લાગી
અને જ્યારે તેમને ભાન આવ્યું, ત્યારે તેમણે જોયું તો તેઓ પોતાના વાહન સહિત અનેક લોકો
સાથે નદીમાં પડયા હતા. તેમણે એક પગથી લાત મારીને ટ્રકનો કાચ તોડીને ટ્રક અને પાણીમાંથી
બહાર નીકળીને પુલના થાંભલા પાસે સુરક્ષિત રીતે પોતાને બચાવ્યા.
એક હાથે અને એક પગે ગંભીર ઈજા
થઈ હતી અને તેઓ લોહીલુહાણ અવસ્થામાં હતા. પીડા અસહ્ય હતી, શરીર સાથ નહોતું આપી રહ્યું,
છતાં તેમની નજર મહીસાગર નદીના પ્રચંડ વહેણમાં વહી રહેલા નરેન્દ્રાસિંહ પરમાર પર પડી.
પોતાના જીવની પરવા કર્યા વગર ગણપતાસિંહે બાકી રહેલા એક હાથ અને એક પગનો ઉપયોગ કરીને,
અકલ્પનીય હિંમત દાખવીને નરેન્દ્રાસિંહને બચાવવા માટે પ્રયાસ કર્યો. પ્રચંડ વહેણ અને
પોતાના શરીરની ગંભીર ઈજાઓ વચ્ચે પણ તેમણે હાર ન માની. અદમ્ય મનોબળ અને માનવતાની ભાવનાથી
પ્રેરાઈને, તેમણે નરેન્દ્રાસિંહને હેમખેમ બચાવ્યા.
ગણપતાસિંહ રાજપૂત જણાવે છે કે,
જ્યારે તેમણે નરેન્દ્રભાઈને બચાવ્યા તે સમયે ઇજાગ્રસ્ત સોનલબેન પઢિયાર સહિત પોતાનો
જીવ બચાવવા માટે વલખાં મારતા લોકો તેમની સામે લાચાર આંખે મદદ મળશે તેવી નજરે જોઈ રહ્યા
હતા પણ પોતે આ લોકોની મદદ ન કરી શકવાની અક્ષમતા તેમના માટે અત્યંત પીડાદાયક બની ગઈ
હતી. તેમણે પારાવાર દુ:ખ છે કે તેઓ પોતાની નજર સામે નાના બાળકો સહિત લોકોને ડૂબતા જોયા
પણ બચાવી ન શક્યા. જોકે, કમનસીબે નરેન્દ્રાસિંહ પરમારનું સારવાર દરમિયાન ઘટનાના બે
દિવસ પછી નિધન થયું છે. આ સમાચાર ગણપતાસિંહ માટે અત્યંત દુખદ હતા, કારણ કે તેમણે પોતાના
જીવની પરવા કર્યા વગર જે પ્રયાસ કર્યો હતો, તે સફળ ન થઈ શક્યો. આમ છતાં ગણપતાસિંહ રાજપૂતની
આ સાહસ કથા દર્શાવે છે કે, સાચી વીરતા શારીરિક શક્તિમાં નથી, પરંતુ માનસિક દૃઢતા, કરુણા
અને અન્યના ભલા માટે કંઈક કરવાની ભાવનામાં છે.