• રવિવાર, 20 જુલાઈ, 2025

સિરામિકની માગ ઘટતા ઉદ્યોગમાં ફરી સ્ટોક વધ્યા: નિકાસ હેમખેમ

ઉત્પાદન કાપના પગલા આર્થિક નુક્સાનીભર્યા, ભાવવધારો ટકી શકતો નથી

રાજકોટ, તા. 17: (ફૂલછાબ ન્યૂઝ) મહિને આશરે પંદરસો કરોડની નિકાસ કરતા સિરામિક ઉદ્યોગમાં સ્થાનિક માગ ઠપ થઇ જતા ઉદ્યોગકારો તકલીફમાં મૂકાયા છે. ભારતીય બજારમાં સિરામિક ઉત્પાદનોની માગ બે વર્ષથી મંદ છે, સિરામિકની ખપત વધતી નહીં હોવાથી કારખાનાઓમાં સ્ટોક જમા થઇ રહ્યો છે. સ્ટોકને લીધે નીચાં ભાવમાં પણ સોદા પડી રહ્યા હોય ભાવયુધ્ધ જેવી પરિસ્થિતિમાંથી ઉદ્યોગ પસાર થઇ રહ્યો છે તેમ એક ઉદ્યોગકારે કહ્યું હતુ.

ફ્રેઇટ અને કન્ટેઇનરની સાધારણ મુશ્કેલી વચ્ચે નિકાસ બજારમાં સિરામિક પ્રોડક્ટસ સરળતાથી મોકલાય રહી છે. જોકે ભારતીય બજારમાં માગ ઘણી ધીમી પડેલી છે. સિરામિક એસોસીએશન સાથે ભૂતકાળમાં સંકળાયેલા એક અગ્રણીએ કહ્યું કે, મોરબીના 800 જેટલા નાના મોટાં યુનિટોએ થોડ સમય ઉત્પાદન બંધ રાખવા કે ભાવ વધારવાનો નિર્ણય લઇને પડતર માલથી થતી ખોટ સરભર કરવાની વિચારણા કરી હતી. જોકે એમાં સફળતા મળતી નથી. બે ત્રણ મહિના પૂર્વે સ્ક્વેરફૂટ પ્રમાણે રૂ.2નો ભાવવધારો કરવાનું નક્કી થયું હતુ. જોકે એમાં સફળતા મળી નથી. ઉત્પાદકો પોતાની રીતે ભાવ નક્કી કરીને વેંચવા લાગતા ફરી એ જ સ્થિતિ થઇ ગઇ છે. 

તેમણે કહ્યું કે, ઉદ્યોગમાં નાના મોટાં કારખાનાઓમાં સરેરાશ વિસેક દિવસનો સ્ટોક જમા પડ્યો છે. ખપતના અભાવે કારખાનાઓમાં માલ સ્ટોક વધી રહ્યા છે. ઇન્વેન્ટરી ક્લિયર કરવા માટે પણ પ્રયાસો થયા હતા. જે ફળ્યા નથિ. અમુક ઉત્પાદકોએ ઉત્પાદન ક્ષમતા ઘટાડીને પ્રયત્નો કર્યા છે. જોકે એનાથી પડતરાકિંમત વધી જતા નફો ઘસાય છે એટલે તે ઉપાય પણ શક્ય નથી. તેમણે કહ્યું કે, ઓર્ડર ઉપર જ મોટાંભાગના ઉત્પાદકો માલ બનાવતા થઇ ગયા છે. છતાં ક્યારેક માલ વેચવામાં સમસ્યા થાય છે. 

મોરબી અને આસપાસના વિસ્તારમાં નાના મોટાં અનેક કારખાના છે. જૂના અને નાના કારખાના આઉટડેટ છે એટલા માટે આર્થિક મુશ્કેલી વધારે પડે છે. નવા યુનિટની ક્ષમતા ઉંચી છે અને પડતર નીચી છે એટલે ખાસ સમસ્યા નથી. ઘણાબધા વોલ અને ફ્લોર ટાઇલ્સના યુનિટસ જીવીટી અર્થાત ગ્લેઝ વિટ્રીફાઇડ ટાઇલ્સમાં કન્વર્ટ થઇ ગયા છે. તેની ગુણવત્તા અને ડિઝાઇન ખૂબ સારી હોય છે એટલે વિદેશમાં તે વધુ ચાલે છે અને લોકલમાં પણ તેની માર્કેટ બની ગઇ છે. જોકે નાના રોકાણવાળા યુનિટ તે પ્રકારની મશીનરી અપનાવી શક્યા નથી.

ઇ-પેપરના નવા શુલ્ક