• રવિવાર, 20 જુલાઈ, 2025

કપાસિયાની અછત વધી જતા કપાસિયા તેલમાં તેજીનો પ્રવાહ મહિનામાં ડબે રૂ. 125નો વધારો, સીંગતેલમાં ધીમો વધારો

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ,તા.18: કપાસિયાની તંગીને લીધે કપાસિયા તેલના ભાવ ઉંચા હતા. એવામાં હવે કપાસિયા ખોળના  ભાવ અતિ ઉંચા થઇ ગયા છે એટલે ખપત ઘટી જતા કપાસિયા તેલ બનાવતી મોટાંભાગની મિલો બંધ પડી ગઇ છે. આમ ઓછો પુરવઠો ઉપરાંત પામતેલની તેજીએ કપાસિયા તેલને બળ આપતા ડબે રૂ. 125નો ઉછાળો એક મહિનામાં આવી ગયો છે. 

કપાસિયા તેલનો ડબો રાજકોટની તેલ બજારમાં રૂ. 2285-2335 સુધી વેચાય છે. ગયા મહિને કપાસિયા તેલ સસ્તું હતુ અને પામતેલની મંદીને લીધે પણ ભાવ વધી શકતા ન હતા. જોકે હવે ચોતરફે સુધારાનું બળ મળ્યું છે.

કપાસિયા ખોળના ભાવમાં જોરદાર તેજી સાથે રૂ.1900-2030 પ્રતિ 50 કિલો થઇ ગયા છે. પરિણામે પશુપાલકોએ વૈકલ્પિક પશુચારો અપનાવવાનું શરૂ કર્યું છે. આમ કપાસિયા ખોળની માગ અને ખપત બન્ને ઘટ્યા છે. સૌરાષ્ટ્ર અને ગુજરાત વિસ્તારમાં આશરે 250-300 કપાસિયા તેલ બનાવતી મિલો આવેલી છે. એમાંથી 90 ટકા મિલો બંધ છે. જે ચાલુ છે એમાં છૂટાછવાયા કામકાજ થાય છે.

તેલના એક બ્રોકર કહે છેકે, કપાસિયા અને પામતેલના ભાવમાં ફરક ઓછો હોય છે. પામતેલ વધ્યું છે એટલે કપાસિયા તેલને પણ અસર થઇ છે. જોકે અત્યારે કપાસિયા તેલની અછત હોવાને લીધે પામતેલ વધારે પ્રમાણમાં મિક્સ થવા લાગ્યું છે.કપાસિયા તેલ ગુજરાત તેમજ મહારાષ્ટ્ર,હરિયાણા,પંજાબ જેવા રાજ્યોમાંથીપણ રિફાઇનરીના માલિકો મંગાવતા હોય છે ખાસ કરીને ગુજરાતમાં ભાવ વધુ હોયઅથવા તો અહી માલ ન મળતો હોય ત્યારે બીજા રાજ્યોમાંથી જો પડતર હોય એ મુજબમંગાવતા હોય છે પરંતુ બીજા રાજ્યોમાં પણ માલનો અભાવ છે એટલે અત્યારે   બહારની આવક બંધ છે. કપાસિયા તેલનો વપરાશ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સીંગતેલના વિકલ્પે કરવામાં આવે છે. કપાસિયા તેલમાં અન્ય તેલ ભેળવીને ડિસ્કો તેલ બનાવવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલી આવે છે. કપાસિયા હવે મોંઘું થતા ફરીથી ડિસ્કો તેલ બનવા લાગ્યું છે. ડિસ્કો તેલ નાના સેન્ટરોમાં બેરોકટોક વેચાય રહ્યું છે.

કપાસિયા અને પામતેલની અસરથી સીંગતેલના ભાવ પણ રૂ. 70-80 જેટલા વધી ગયા છે. સીંગતેલનો નવો ડબો રૂ. 2440-2490માં મળવા લાગ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક