(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ,
તા. 18: સાબરકાંઠાની સાબર ડેરી સામે પશુપાલકોનું વાર્ષિક ભાવફેર સહિતના મુદ્દે છેલ્લા
કેટલાક દિવસોથી ઉગ્ર આંદોલન ચાલી રહ્યુ છે સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારના
પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ડેરીએ પાંચમા દિવસે સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને
લઈને મોટી જાહેરાત કરી છે. હવે ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 995 રૂપિયા
ચૂકવાશે. સાબર ડેરીએ ગત દિવસોમાં 990 રૂપિયાના ભાવફેરની વાત કરી હતી. જો કે, પશુપાલકોનો
વિરોધ યથાવત્ રહેતા પ્રતિ કિલો ફેટે વધુ 5 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે. અગાઉ રૂ.
960 મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવાયો હતો. હવે બાકીના 35 રૂપિયાનો ભાવફેર સાધારણ સભા બાદ
ચૂકવાશે. ભાવફેરની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે. આમ, વિરોધ અને આંદોલન
બાદ પશુપાલકોને આખરે સફળતા મળી છે.
સાબર
ડેરીના નિયામક મંડળની મહત્ત્વની બેઠક મળી હતી. બેઠકમાં ચેરમેન, વાઈસ-ચેરમેન અને નિયામક
મંડળના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાવફેર અંગે નિર્ણય લેવાયો છે. નોંધનીય છે
કે વર્ષે 9500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીમાં નજીવા ભાવફેર ચૂકવવા મામલે
પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક યુવકનું શંકાસ્પદ મોત પણ થયું
હતું. સાબર ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની જાહેરાત કરી છતાં પશુપાલકોનો વિરોધ યથાવત્
જોવા મળ્યો હતો. તમામ 16 ઝોનમાં આવેલી મંડળીઓ પૈકી 400 મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરવાનું
ટાળી દીધું હતું. જ્યારે સાબર ડેરીમાં દૂધની આવક ઘટતાં પાઉડરનું ઉત્પાદન હાલ પૂરતું
બંધ કરવું પડયું. સાબર ડેરીમાં 15 લાખ લિટર દૂધની આવક ઘટી છે.