• રવિવાર, 20 જુલાઈ, 2025

જહાજ ભાંગવાનો ઉદ્યોગ ભાંગી પડે એવી સ્થિતિ !

અલંગમાં જહાજ ભાંગવાના અર્ધા પ્લોટ બંધ : સ્ટીલની નબળી માગ, દબાતા ભાવથી વરવી સ્થિતિ : ભવિષ્ય ધૂંધળું દેખાવા લાગ્યું

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.18 : ભાવનગર નજીક અલંગમાં વિશ્વના મોટાં મોટાં જહાજો તોડી પાડવામાં આવે છે. બાદમાં તે ભંગારના ભાવથી વેચવામાં આવે છે. આ ઉદ્યોગનું ફલક જે રીતે વિકસ્યુ હતુ એટલા જ ઝડપથી વળતાપાણી થઇ રહ્યા હોય એવો ઘાટ છે. સરકાર અલંગને વિકસાવવાની વાતો કરી રહી છે પણ પાછલા બે ત્રણ વર્ષમાં અર્ધા કરતા વધારે શિપ બ્રાકિંગના પ્લોટસ બંધ થઇ ચૂક્યાં છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ આ ઉદ્યોગનું ભવિષ્ય ધૂંધળું દેખાવા લાગ્યું છે.

સસ્તાં ચાઇનીઝ સ્ટીલનું તીવ્ર આક્રમણ થવાને લીધે ઉદ્યોગ પ્રભાવિત થયો છે. હોંગકોંગ કન્વેન્શનના નિયમો ભારતે હાલમાં જ લાગુ કર્યા છે. હવે વર્ષના અંતમાં યુરોપીયન યુનિયનના નવા નિયમો પાળવાના આવશે. શિપ બ્રાકિંગ યાર્ડને વધુ આધુનિક અને સુવિધાપૂર્ણ બનાવવાની વાત આવશે. એમ ન થાય તો ચીન અને તૂર્કી જેવા રાષ્ટ્રો ભારત પર હાવી થઇ જવાનો ભય છે.

અલંગના એક શિપ બ્રેકર કહે છે, લોકો આ વ્યવસાયને મગજથી નહીં પણ હદયથી ચલાવી રહ્યા છે. મંદી છે એનો અર્થ એવો નથી કે જહાજો આવતા નથી. પણ અગાઉ કરતા સંખ્યા ઘણી ઘટી ગઇ છે. હાલમાં જ જપાનના માલિકનું 11,377 એલડીટી ક્ષમતા ધરાવતું એક મોટું જહાજ બોનટ્રપ પર્લ દિવસો સુધીની વાટાઘાટ પછી અલંગ પહોંચવામાં જ છે. જોકે એ પછી આ શિપ બ્રેકર નવું જહાજ ખરીદવા માગતા નથી કારણકે મંદીની અસર તેમને પણ થઇ છે. જપાનથી બીજું એક ઓરિએન્ટ બ્રધર નામનું જહાજ 1067 એલડીટીનું છે તે પણ આવું આવું થઇ રહ્યું છે.

અલંગમાં આવતા જહાજો મોટાંભાગે રડાર, ખાસ પ્રકારના એન્જિન, ટેબલ ખુરશીઓ અને કિંમતી સામાન કાઢયા પછી ભંગાર તરીકે વેચાય છે કારણકે અંદરની કિંમતી વસ્તુઓને અલગ બજારમાં વેચીને કમાણી કરવી પડે છે. જોકે અગાઉ જેવી ચમક નથી રહી કારણકે જહાજો જ ઓછાં આવે છે. સારા સમયમાં      અલંગ વિસ્તાર 60-65 હજાર લોકોને સીધી રોજગારી આપતો હતો. હજારો લોકો સ્પિન-ઓફ વ્યવસાયોમાં હતા. હવે અલંગના પ્લોટ પાસેથી પસાર થતા લગભગ 10-11 કિલોમીટરના રસ્તા ઉજ્જડ દેખાય છે. અગાઉ લોકો અને માલવાહક ટ્રકોથી અહીં કોલાહલ રહેતો હતો. જહાજોમાંથી નીકળતું ફર્નિચર, ગાલીચા, કપડાં, પડદા, ગાદલા, ઓશિકા જેવી વસ્તઓથી લઇને ક્રોકરી, જીમના સાધનો અને વ્હાઇટ ગુડઝ પ્રદર્શિત કરતી સેંકતો દુકાનો પુરવઠો મેળવવા સંઘર્ષ કરી રહી છે. ગ્રાહકો પણ વારંવાર માલ નહીં મળવાના અફસોસ સાથે આવતા ઓછાં થઇ ગયા છે.

મોટાંભાગના લોકો ચીનના સસ્તાં સ્ટીલને હાલની પરિસ્થિતિ માટે જવાબદાર ગણે છે. જોકે માત્ર એ કારણ નથી. જહાજોને માલિકો દ્વારા જ ઓછાં વેંચવામાં આવે છે એ પણ મોટું કારણ છે. શિપીંગ ભાડામાં છેલ્લાં બે ત્રણ વર્ષમાં મોટી ઉલટફેર જોવા મળી હતી એની અસરથી ભાંગવાના જહાજોનો પુરવઠો જ ઓછો આવ્યો હતો. ચીનનો દોષ છેકે એ સસ્તું સ્ટીલ બધે ઠાલવે છે.

શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ઇન્ડિયાના જણાવ્યા અનુસારસક્રિય પ્લોટની સંખ્યા 2014 માં 100 થી વધુ હતી તે ઘટીને 50 થઈ ગઈ છે.  તોડવા માટે ધકેલાયેલા જહાજોની સંખ્યા ગયા વર્ષે 275ની છ વર્ષની નીચી સપાટીએ આવી હતી. પાછલા ત્રણ માસમાં ફક્ત 54 જહાજ ભઆંગ્યા છે. સૌથી ખરાબ સમય આવી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક