સીસીટીવી ફૂટેજમાં દેખાયેલી મહિલાઓએ અન્ય દુકાનમાં પણ કસબ અજમાવ્યો હતો
ગઢડા(સ્વામીના): શહેરમાં ટાવર
ચોક વિસ્તારમાં આવેલી તુલસી જ્વેલર્સ નામની દુકાનમાંથી બે મહિલાએ સિફતપૂર્વક ચોરીની
ઘટનાને અંજામ આપ્યો છે. વેપારીઓ માટે લાલબત્તી સમાન આ ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ તંત્ર
સક્રિય બન્યું છે.
તુલસી જ્વેલર્સમાં સવારે 11 વાગ્યાની
આસપાસ બે અજાણી મહિલા આવી હતી. તેમણે જૂની બુટ્ટી બદલાવી નવી બુટ્ટી ખરીદવાનું બહાનું
બનાવ્યું હતું. દુકાનદાર જ્યારે મહિલાઓને નવી બુટ્ટીનો સેટ બતાવી રહ્યા હતા, ત્યારે
મહિલાઓએ તેની નજર ચૂકવીને પાંચ જોડી સોનાની બુટ્ટી સિફતપૂર્વક સેરવીને ચોરી લીધી હતી.
આ બાબતે દુકાનદારને શંકા જતા સ્ટોક તપાસ કરતા પાંચ જોડી બુટ્ટી ઓછી હોવાનું જણાયું
હતું.
આશરે ત્રીસ ગ્રામ અને રૂપિયા
ત્રણ લાખ જેટલી રકમના સોનાની ચોરીના પગલે તુલસી જ્વેલર્સના માલિક ચેતનભાઈ ચાપાનેરીએ
તુરત જ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે પહોંચી તપાસ શરૂ કરી છે. જો કે આ સમયે
વીજકાપના કારણે વિસ્તારમાં સીસીટીવી બંધ હોવાથી ફૂટેજ પ્રાપ્ત થઈ શક્યા નથી.
સોની બજાર વગેરે વિસ્તારોમાં
તપાસ કરતા જુદી જુદી સોનીની બે દુકાનમાં પણ બન્ને મહિલા ચોરી કરવાના ઈરાદે ગઈ હોવાનું,
પણ ચોરી માટે નિષ્ફળ ગઈ હોવાનું બહાર આવ્યું
હતું. જુદી જુદી દુકાનોમાંથી મળેલા સી.સી.ટી.વી. ફૂટેજમાં દેખાતી બે મહિલાએ જ તુલસી
જ્વેલર્સમાં આવીને ચોરી કરી હોવાની ઓળખ થતાં શંકાસ્પદ મહિલાઓના ફૂટેજ જાહેર થયા હતા.
ઉલ્લેખનીય છે કે સોનીની દુકાનોમાં
ચોરી કરવા ટેવાયેલી બન્ને મહિલાઓએ ભાવનગર - સિહોર સહિત અન્ય શહેરમાં પણ ચોરીને અંજામ
આપ્યો હોવાની ઘટના બહાર આવી રહી છે. આ ફૂટેજના આધારે ચોરી કરતી મહિલાઓની કોઈને ઓળખ
માહિતી મળે તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.