• રવિવાર, 20 જુલાઈ, 2025

ટ્રાફિકજામના વિરોધમાં કાલે ચક્કાજામ

રાજકોટ-જેતપુર માર્ગની સમસ્યા નિવારવા કોંગ્રેસની હાઈ-વે હક્ક સમિતિ દ્વારા એલાન

શનિવારે પણ શાપર નજીક વાહનોના થપ્પા લાગ્યા, ત્રણ કલાક ટ્રાફિક જામ થયો

રાજકોટ, તા. 19: રાજકોટથી ગોંડલ-જેતપુર વચ્ચે નેશનલ હાઈવે સિક્સ લેન કરવાની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે. આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલે છે અને તેના કારણે આ રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 27 પર ટ્રાફિક જામ અને અવ્યવસ્થાની કાયમી પરેશાનીથી વાહન ચાલકો ત્રાસી ગયા છે. નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર તંત્ર દ્વારા આ સંદર્ભે કરાયેલી વ્યવસ્થાની કોઈ અસર થઈ નથી ત્યારે આ હાઈવે પર દરરોજ ટ્રાફિક જામ ન થાય તેવી રજૂઆત કરવા કોંગ્રેસની હાઈવે હક્ક સમિતિ દ્વારા સોમવારે ચક્કાજામ કરવાનું એલાન કરાયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર તંત્રએ અગાઉ જણાવ્યું હતું કે આ હાઈવે પર વીરપુર નજીક, ગોંડલ નજીક મળી કુલ ત્રણ ઓવરબ્રિજ શરૂ કરી દેવાયા છે, ટ્રાફિક જામ ન થાય તે માટે માર્શલ તૈનાત કરાયા છે, હેવી-ઓવરસાઈઝ વાહનો અહીંથી દિવસના સમયે પસાર ન થાય એવી સલાહ અપાઈ છે, વાહન બગડે કે અકસ્માતના કિસ્સામાં ટ્રાફિક વહેલાસર ક્લિઅર કરાવવા અને અન્ય વ્યવસ્થા માટે ક્રેન મુકાઈ છે.

આમ છતાં આવ્યવસ્થાની ટ્રાફિક જામની સ્થિતિમાં કોઈ અસર થઈ ન હોય એમ આજે શનિવારે પણ શાપર નજીક ત્રણ કલાક સુધી વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. આ કારણે વાહન ચાલકો-મુસાફરોનો સમય વેડફાવા સાથે ડીઝલ-પેટ્રોલનો પણ વ્યય થાય છે. આ સ્થિતિનું ઝડપી અને કાયમી નિવારણ આવે તેવી માગ સાથે હાઈવે હક્ક આંદોલન સમિતિ દ્વારા સોમવારે ચક્કાજામ કરાશે એમ કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક