• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

એરંડાના વાવેતર વધતા દેખાતા ભાવમાં કડાકો ખેડૂતોમાં ભારે નિરાશા : વાવેતરમાં 67 ટકાનો વધારો નોંધાયો

રાજકોટ,તા.29: (ફૂલછાબ ન્યૂઝ) ગુજરાતની ખેતીમાં અગત્યનું સ્થાન ધરાવતા એરંડા મુખ્ય પાક તરીકે ઉપેક્ષિત રહ્યા છે. જોકે એનું વજન ઘણું છે. વજનદાર એરંડાનું વાવેતર વેગથી શરૂ થતાં ભાવ તૂટી પડયા છે એની સાથે ખેડૂતોનો વિશ્વાસ પણ ડગમગી ગયો છે. દિવેલની નિકાસના આંકડાઓ પણ નબળા આવતા ખેડૂતોને ચોમેરથી માર પડયો છે. જોકે જૂનો માલ સ્ટોક નબળો છે અને નવી આવક આડે ખાસ્સો સમય છે એટલે ઉછાળા માટે ખેડૂતો હજુ આશાવાદી છે.

એરંડાનું સૌથી વધારે ઉત્પાદન ગુજરાતમાં થાય છે. 7-8 લાખ હેક્ટર સુધી ગુજરાતમાં વાવેતર થાય છે. વાવેતરની કામગીરી ચાલુ છે અને ફટાફટ વાવેતર વિસ્તાર વધવા લાગતા એરંડાના ભાવમાં મંદી થઇ ગઇ છે. ગુજરાત સરકારે 1.30 લાખ હેક્ટરમાં વાવેતર થયાનું નોંધ્યું છે. ગયા વર્ષમાં આ સમયે માત્ર 78 હજાર હેક્ટરમાં વાવેતર હતુ. વિસ્તાર વધવાને લીધે માનસ મંદીનું થઇ ગયું છે. જોકે હજુ વાવેતરનો આરંભ થયો છે ત્યાં પ્રોત્સાહક આંકડાઓ આવવા લાગતા મંદીવાળા હાવી થયા છે.

એરંડાના વાવેતર માટે ઓગસ્ટ મહિનો મુખ્ય હોય છે. એ પૂર્વે જ અત્યારે સારાં આંકડા દેખાવા લાગ્યા છે.  વાવેતર સારું થશે એવી ગણતરીએ જુલાઇના આરંભથી ભાવ તૂટવા લાગ્યા છે. જૂનના અંતે એરંડાનો ભાવ સીઝનની ટોચની સપાટીએ હતો. અત્યારે તૂટી પડયો છે. 30 જૂને વાયદો રૂ. 7000 થયો હતો. એની તુલનાએ અત્યારે રૂ. 6600નો ભાવ થઇ ગયો છે. માર્કેટ યાર્ડમાં પણ એરંડા રૂ. 1350 સુધી વધી ગયા હતા તે અત્યારે રૂ. 1300 થઇ ચૂક્યાં છે. મંદીની અસરથી ખેડૂતો ડરી ગયા છે. હવે વેચવા માટે તલપાપડ છે પણ નવી આવક છેક ફેબ્રુઆરી મહિનામાં થશે એ પૂર્વે તેજી થશે એવી આશા ખેડૂતોને છે. ગુજરાતમાં અત્યારે રોજની 25-26 હજાર ગુણી એરંડાની આવક થાય છે.

દરમિયાન દિવેલની નિકાસ જાન્યુઆરીથી મે મહિનાના સમયગાળા દરમિયાન ઘટી છે એ કારણથી પણ બજાર દબાણ હેઠળ છે. દિવેલની નિકાસ ગયા વર્ષમાં 3,46,621 ટનની થઇ છે. આ વર્ષમાં નિકાસ 3,08,699 ટન સમાન ગાળામાં થઇ છે. ચીનની માગ ઘટવાને લીધે નિકાસ ઉપર અસર પડી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક