જામનગર,
તા.30: દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાની ર6 આંગણવાડીઓમાંથી ગેસ સિલિન્ડર ચોરવાના
ગુનામાં એક સસ્પેન્ડેડ પ્રાથમિક શાળાના શિક્ષકને જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા
ઝડપી પાડવામાં આવ્યો છે. આ ધરપકડથી ત્રણેય જિલ્લાઓમાં થયેલી કુલ ર6 ઘરફોડ ચોરીઓનો ભેદ
ઉકેલાઈ ગયો છે.
જામનગર
એલસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ દ્વારા જામનગર અને અન્ય જિલ્લાઓમાં આંગણવાડીઓમાંથી
ગેસ સિલિન્ડર ચોરીના વણઉકેલાયા ગુનાઓ માટે પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન એલસીબીને
બાતમી મળી હતી કે, આંગણવાડીઓમાં ગેસ સિલિન્ડર ચોરનાર પ્રાથમિક શાળાનો સસ્પેન્ડેડ શિક્ષક
કાંતિલાલ ડાયાભાઈ નકુમ (રહે.જામખંભાળિયા) આ ગુનામાં સંડોવાયેલો છે. આ ઉપરાંત એવું પણ
જાણવા મળ્યુ હતું કે, તેણે ચોરી કરેલા ગેસ સિલિન્ડર જામનગર તાલુકાના દરેક ગામ નજીકના
સીએનજી પેટ્રોલ પંપ પાસેની એક અવાવરુ ઓરડીમાં રાખ્યા છે અને તે સગેવગે કરવાની ફિરાકમાં
છે. આ બાતમીના આધારે એલસીબીએ કાંતિલાલ ડાયાભાઈ નકુમને પકડી પાડયો હતો અને અવાવરુ ઓરડીમાંથી
ચોરી કરેલા ગેસ સિલિન્ડર અને અન્ય મુદ્દામાલ કબજે કર્યા હતા.
આરોપી
કાંતિલાલ ઓનલાઈન જુગારમાં મોટી રકમ હારી જતા ચોરીના રવાડે ચડયો હતો. શરૂઆતમાં લેપટોપ
અને બાદમાં જામનગર જિલ્લામાં દ્વારકામાં 10 અને પોરબંદરની પ આંગણવાડીમાં ચોરી કરી હતી.
પહેલા તે રેકી કરતો અને પછી દરવાજા તોડી ધાડ પાડતો હતો.