વહેલી
સવારે શૌચાલય જતી વખતે થયો હુમલો: રાની પશુઓના આતંકથી ડોળાસા વિસ્તારના લોકોમાં ભયનો
માહોલ
ડોળાસા,
ઉના તા.30: ડોળાસા નજીકના કાણકીયા ગામે રૂપેણ નદીના સામે કાંઠે આવેલા નવાપરા વિસ્તારમાં
ઘરના ફળિયા ઘુસી સિંહણે વદ્ધાને ફાડી ખાતા લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. નવાપરા
વિસ્તારમાં રહેતા પૂરણદાસ આત્મારામ દેશાણીના પત્ની કમળાબેન ( ઉંમર 59 ) ઉપર આજે વહેલી
સવારે ત્રણથી ચાર વાગ્યા દરમ્યાન સિંહણે જીવલેણ હુમલો કરી મૃત્યુને ઘાટ ઉતાર્યા હતા
એટલું જ નહી આ વૃદ્ધાના બંને પગ પણ ખાઈ જતાં ભારે અરેરાટી ફેલાઈ છે. વન વિભાગની નિક્રિય
કામગીરીથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
બનાવની
વિગત એવી છે કે ગીર ગઢડા તાલુકાના કાણકીયા ગામે નવાપરા વિસ્તારમાં પૂરણદાસ આત્મારામ
દેશાણી અને તેમના પત્ની કમળાબેનત્રણ વિવાહીત પુત્રો અને તેમનો પરિવાર સયુંકત કુટુંબમાં
રહે છે. આ પરિવાર કાણકીયા ગામના ઝાપામાં પાન-બીડી દુકાન ધરાવે છે. આ ઉપરાંત છૂટક મજૂરી
દ્વારા ગુજરાન ચલાવે છે. તા.30/7 ની વહેલી સવારના આશરે ત્રણથી ચાર વાગ્યા દરમ્યાન કમળાબેન
જાગી ગયા અને ઘરનો દરવાજો ખોલી અને ફળિયામાં આવેલા બાથરૂમ તરફ જઇ રહ્યા હતા ત્યારે ઝાંખા પ્રકાશના કારણે તેમની
સામે આવી રહેલી સિંહણ અને અને બચ્ચા નજરે ન ચડ્યા. કમળાબેન સિંહણની નજીક પહોંચી ગયા
અને સિંહણે કમળાબેન પર જીવલેણ હુમલો કરતા ગળું પકડી લીધું અને થોડી વારમાં તેમનું મૃત્યુ
થયું હતું. બાદ સિંહણ તેમનું શબ ફળિયામાં સો ફૂટ દૂર ઢસડી ગઈ અને અહી બંને પગ ખાઈ જતી
રહી. સાડા ચાર વાગ્યે એક પુત્રવધુ જાગી ગયા અને દરવાજો ખુલ્લો હતો તેથી તેમ માન્યું
કે માજી વો રૂમ ગયા છે. બાદ ફળિયામાં આવી નજર કરી તો માજીએ ઓઢેલી શાલ, લોહીનું ખાબોચિયું,
થોડે દૂર ચપ્પલ પડ્યા હતા. કંઇક અજુગતું બની ગયાની શંકા જતા ઘરના સભ્યોને જગાડ્યા હતા.
સૌને શંકા ગઈ કે કોઈ જંગલી જાનવર માંજીને ઢસડી ગયું છે. એટલે સૌ આજુબાજુમાં તપાસ કરવા
લાગ્યા. આ દરમ્યાન એક ભાઈની નજર ફળિયામાં સામેના ભાગે થતા માજીનો પગ વગરનો મૃતદેહ નજરે
ચડ્યો હતો. તુરંત ગામના મહિલા સરપંચને ફોનથી જાણ કરતા સરપંચના પ્રતિનિધિ કાળાભાઈ વાળા
તુરત ઘટના સ્થળે પહોંચી જાણકારી મેળવી જશાધાર વન વિભાગને જાણ કરતા તેઓની એક ટીમ સવારના
સાત વાગ્યા આસપાસ કાણકીયા ઘટના સ્થળે પહોંચી હતી. સાથે ગીર ગઢડા પોલીસ પણ ઘટના સ્થળે
પહોંચી હતી.
વન
વિભાગની ટીમ દ્વારા તપાસ કરતા સિંહણ અને બચ્ચાના પગલાના નિશાન મળી આવતા એવું અનુમાન
નીકળ્યું હતું કે સિંહણે જ માજીને ફાડી ખાધા છે. જંગલખાતા દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ
માટે લઈ જતા પહેલા ગીર ગઢડા પોલીસ પંચનામુ કરે તેમ જણાવ્યું હતું. પણ પોલીસે આ અમારી
કામગીરી નથી તેમ જણાવી ઇનકાર કરી દીધો હતો. બાદ જંગલ ખાતા દ્વારા કમળાબેનની મૃતદેહને
ઉના સરકારી દવાખાને પી.એમ.માટે લઇ ગયા હતા.
ડોળાસા
વિસ્તારનાં ગામડાઓમાં સિંહ, દીપડાઓ જેવા હિંસક રાની પશુઓ રોજે રોજ ઢોરનુ મારણ કરી રહ્યા
છે. લોકોમાં ભારે ભય છે અને હવે તો આ રાની પશુઓ માનવભક્ષી બનવા લગતા લોકોમાં ફફડાટ
ફેલાયો છે.