• મંગળવાર, 14 એપ્રિલ, 2026

સરકારે ખરીદેલી 70% મગફળી વેચાઇ ગઇ !

નવી સીઝનમાં પણ સરકારે મોટો જથ્થો ખરીદવો પડશે, પાક ઉત્પાદન વધશે

રાજકોટ, તા.30(ફૂલછાબ ન્યૂઝ) : ગુજરાતમાં નાફેડ દ્વારા ટેકાના ભાવથી ખરીદવામાં આવેલી મગફળીનો 70 ટકા જથ્થો ખૂલ્લા બજારમાં વેચાઇ ગયો છે. 13.57 લાખ ટન મગફળી ગુજરાતમાં ટેકાના રૂ. 1356ના ભાવથી ખરીદવામાં આવી હતી. એમાંથી હવે 4.33 લાખ ટન મગફળી બચી છે એમ જાણવા મળ્યું છે.  બીજી તરફ ખરીફ મોસમમાં મગફળીનું ખૂબ વાવેતર થયું હોવાથી ઉત્પાદનમાં 10 ટકા આસપાસ વધારો થવાની સંભાવના દેખાય રહી છે.

નાફેડે મણે રૂ. 1356માં ખરીદેલી મગફળી સરેરાશ રૂ. 1080-1100ના ભાવથી વેચી છે. એક મણે રૂ. 256ની ખોટ ગઇ છે. જોકે સંગ્રહ અને હેરફેરનું ખર્ચ ઉમેરવવામાં આવે તો વધુ નુક્સાની જાય એમ જાણકારોએ કહ્યું હતુ. જોકે મગફળીનો પાક ઘણો મોટો હતો એટલે સસ્તાં ભાવે વેચાય નહીં તો ખપત થાય એમ ન હતુ. હવે મગફળીનો બોજો ઝાઝો નથી છતાં નાફેડ હાલના ભાવથી કે થોડું ઘટાડીને વેંચે તો નવી આવક થવા સુધીમાં સ્ટોક તળિયે પહોંચી જાય તેમ છે એવું તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં હવે 4.32 લાખ ટન એ ઉપરાંત રાજસ્થાનમાં 3.50 લાખ ટન અને ઉત્તર પ્રદેશમાં 30 હજાર ટનનો સ્ટોક હોવાની ધારણા છે. આમ દેશમાં કુલ 8 લાખ ટન આસપાસનો પુરવઠો ગણી શકાય. નાફેડ હાલ મણે રૂ. 1080-1100 આસપાસના ભાવથી વેચાણ કરે છે.  દાણામાં નિકાસની માગ પાંખી છે અને નિકાસકારો માલ બોજ ધરાવતા હોવાથી ખપપૂરતી ખરીદી થાય છે. જોકે નવી આવક થવા આડે   બે મહિનાનો સમય બાકી છે એટલે સરકારી બોજો ઘણો જ ઓછો થશે.

દરમિયાન ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન 40 લાખ ટન થયું હતુ. જોકે વાવેતર વિસ્તારમાં 10 ટકાનો વધારો થતા હવે નવી સીઝન માટે ઉત્પાદન આશરે 43-45 લાખ ટન થવાનો અંદાજ છે. જોકે નવી સીઝન માટે સરકારે લઘુતમ ટેકાના ભાવમાં પણ મોટો વધારો કર્યો છે. મગફળીનો ટેકાનો ભાવ આ વર્ષે રૂ. 1356 હતો તે વધારીને રૂ. 1452 કરી દીધો છે.

ઇ-પેપરના નવા શુલ્ક