બહેનના ઉઠમણામાંથી પરત ફરતા કાળનું તેડું
જૂનાગઢ, તા.1: જૂનાગઢના નવા બાયપાસ
ઉપર વધાવી પાટીયા નજીક રસ્તા ઉપર બંધ પડેલા ટ્રક પાછળ ઈનોવા કાર ધડાકાભેર અથડાતા કાર
ચાલક તથા તેમાં સવાર મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં મહિલાનું મૃત્યુ થયુ છે.
જ્યારે મહિલાના પતિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની વધુ વિગત પ્રમાણે રાજકોટના
રામેશ્વર પાર્કમાં રહેતા અને રાજકોટ આર.ટી.ઓ.ના રેકોર્ડરૂમ ઉપર સિક્યુરીટી ગાર્ડ તરીકે
ફરજ બજાવતા રફીક મોહમદભાઈ રહીશ ઉ.પ4ની પત્ની ફરીદાના બહેનનું અવસાન થયુ હોવાથી તેના
બેસણામાં માળીયા હાટીના આવ્યા હતા.
આ દંપતિ તથા કારચાલક બપોર બાદ
માળીયાથી રાજકોટ જવા નીકળ્યા હતા. સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે આ કાર જૂનાગઢના
નવા બાયપાસ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે વધાવી પાટીયા પાસે કોઈ આડશ કે બ્રેકલાઈટ વગર
ટ્રક ડિવાઈડરને અડીને પાર્ક કરેલો હતો. આ બંધ ટ્રક પાછળ ઈનોવા કાર ધડાકાભેર અથડાતા
કારચાલક મહેશીગીરી ઉ.3પ તથા ફરીદાબેન ઉ.પપને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે
રફીકભાઈ રહીશને સામાન્ય ઈજા થઈ હતી. આ અકસ્માત અંગેની કોઈએ એમ્બ્યુલન્સને જાણ કરતા
ઘવાયેલા દંપતિ તથા કાર ચાલકને જૂનાગઢ સિવિલમાં ખસેડાયા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરોએ
કારચાલક મહેશગીરી તથા ફરીદાબેનને તપાસી મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાની જાણ થતા જૂનાગઢના તાલુકા
પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને રફીકભાઈ મોહમદ રહીશની ફરિયાદના આધારે ટ્રક
ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.