નવરાત્રીના પ્રારંભે જ બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાશે સાઇક્લોનિક સર્ક્યુલેશન
અમદાવાદ, તા. 1: સૌરાષ્ટ્ર સહિત
રાજયભરમાં ઓગસ્ટમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. જેના હિસાબે અત્યારસુધીમાં સીઝનનો
વરસાદ 90 ટકાની આસપાસ પહોંચી ગયો છે. જો કે સપ્ટેમ્બર માસમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાય
એવા સંકેતો જોવા મળી રહ્યા છે. ફરી ગુરુવારથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેમજ મહિનાના અંતમાં એટલે કે નવરાત્રીમાં પણ વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી
કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર
23 તારીખથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાતાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે
વરસાદનું જોર વધશે, એટલે કે ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાની શક્યતા રહેશે. આ સાથે
સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં
વરસાદનું જોર વધવાની શક્યતા છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની
શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.
કે. દાસના જણાવ્યા મુજબ અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય
થવાને કારણે બુધવારથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં
એક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના માછીમારોને
આજે દરિયો ન ખેડવાની સૂચના આપવામા આવી છે. આ વર્ષે 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થશે
અને ગુજરાતમાં આ તહેવારની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જો હવામાનની આગાહી
મુજબ નવરાત્રિના દિવસો દરમિયાન વરસાદી માહોલ રહેશે તો ખેલૈયાઓની મજા બગડી શકે છે.
આ દરમિયાનમાં આજે રાજ્યમાં કુલ
57 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ દાહોદના ઝાલોદમાં 1.34 ઇંચ વરસાદ પડયો
હતો. જ્યારે વલસાડના કપરાડામાં 1.3, ધરમપુરમાં 1.26 ઇંચ વરસાદ પડયો હતો. ઉપરાંત કેશોદમાં
અડધો ઇંચ તથા માંગરોળ, માળિયા, જૂનાગઢમાં હળવાથી ભારે ઝાપટા પડયા હતા.