• બુધવાર, 22 જુલાઈ, 2026

ગુજરાતના નવા કપાસની સાથે ઓસ્ટ્રેલિયાથી પણ આવક થશે !

અમેરિકાથી ડિસેમ્બર સુધીમાં નહીવત આવક થશે, ઓસ્ટ્રેલિયા-બ્રાઝિલ વધુ આવશે

રાજકોટ, તા.2(ફૂલછાબ ન્યૂઝ) : વિદેશનો કપાસ ભારતમાં લાવવા માટે જકાત શૂન્ય થઇ ગયા પછી ડિસેમ્બર સુધી હવે મુક્તપણે આયાત થઇ શકવાની છે. ભારતમાં ક્યા ક્યા દેશોમાંથી કેટલો કપાસ આવશે તેની ધાણાઓએ હવે વેગ પકડયો છે. અમેરિકાનો પાક ડિસેમ્બર મહિના સુધી વેગથી આવતો હોય છે છતાં મહતમ કપાસ ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલથી આવે તેવી શક્યતા નિષ્ણાતોને દેખાય છે. ગુજરાતનો લોકલ કપાસ આવવાનું શરૂ થાય તેની સાથે ઓસ્ટ્રેલિયાનો કપાસ પણ ભારતમાં આવતો થઇ જશે !

રૂ બજારના એક અભ્યાસુએ કહ્યું કે, સપ્ટેમ્બરના અંતે પૂર્ણ થતી સીઝનમાં કુલ 40-42 લાખ ગાંસડી આયાત થશે. અત્યાર સુધીમાં 35 લાખ ગાંસડી આયાત થઇ ગઇ છે. હવે વધારાની ગાંસડી સપ્ટેમ્બર સુધીમાં પાંચેક લાખ ગાંસડી આવશે. આમ ચાલી રહેલી સીઝનમાં રેકોર્ડબ્રેક આયાત થઇ ગણાશે. જોકે નવી સીઝન અંગે તેમણે એમ કહ્યું કે, ભારત કુલ 50 લાખ ગાંસડી કરતા વધારે આયાત કરી શકે તેવી શક્યતા બહુ જ પાતળી છે.

હવે ડિસેમ્બર સુધી ડિલિવરી મળે તે રીતે આયાત મુક્ત છે.ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં 25-30 લાખ ગાંસડીની આયાત થાય એવી શક્યતા આ વર્ગે દર્શાવી હતી. તેમણે કહ્યું કે, અમેરિકામાં અત્યારે આવકની સીઝન છે પણ ત્યાંનો કપાસ ભારતમાં પહોંચતા અઢીથી ત્રણ મહિના થઇ જાય છે એટલે ખાસ જથ્થો ભારતમાં આવી શકે તેમ નથી.

અમેરિકામાં કપાસ ખેતરમાંથી જિનીંગમાં જાય. ગાંસડી બંધાય, વેરહાઉસમાં પરિક્ષણ અને ટેગ થાય એ પછી ફરી વેરહાઉસમાંથી નીકળીને નિકાસમાં જાય છે. એમાં સમય જતો હોવાથી ભારતમાં ડિસેમ્બર સુધીમાં પહોંચવો અઘરો છે. ઓસ્ટ્રેલિયાનું રૂ ભારતમાં એકાદ મહિનામાં પહોંચી જાય છે. બ્રાઝિલની ડિલિવરીઓ પણ હવે ત્યાં માલ        તૈયાર થઇને બજાર થઇ ગયા પછી ઝડપી છે. બ્રાઝિલમાં માલ સ્ટોક કરવામાં આવતો નથી. માલ વેચાણમાં ઝડપ છે એટલે એ ફાવશે.

બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાનો કપાસ ભારત પહોંચતા રૂ. 50,000થી 53,000 પ્રતિ ખાંડીના ભાવમાં પડે છે. ભારતમાં રૂ.55,000થી 55,500માં ખાંડી પડે છે. આ સંજોગમાં આયાતી માલ લોકલ કરતા વધારે ચાલશે. જોકે સીસીઆઇ ભાવ ઘટાડે તો આયાત અપેક્ષા કરતા ઓછી થાય. સીસીઆઇ પાસે 26-27 લાખ ગાંસડીનો સ્ટોક છે.

એક જિનરે કાચો અંદાજ આપતા કહ્યું કે, નવી સીઝનમાં કુલ 45-50 લાખ ગાંસડી આવવાની ધારણા છે. જોકે તે સીસીઆઇના વેચાણ પર આધાર રાખશે. સીસીઆઇ ભાવ તોડીને વેંચે તો આયાતમાં થોડો ફરક પડશે. જો સીસીઆઇ નહીં વેચી શકે તો આયાત થશે. એકંદરે ભારતમાં 11 લાખ ગાંસડી દર વર્ષે આવે જ છે. એકસ્ટ્રો લોંગ સ્ટેપલ રૂની આઠ લાખ ગાંસડી અને ઓસ્ટ્રેલિયા સાથે 3 લાખ ગાંસડીના કરાર પ્રમાણેની આયાત ફરજિયાત છે. એ ઉપરાંત ચારેક લાખ ગાંસડી ઓસ્ટ્રેલિયાથી આવી શકે છે. જોકે વધારાની કુલ કેટલી ગાંસડી આવશે તેની ગણતરી હોય છે. જોકે આ વર્ષે 11 ટકા જકાતમાં પણ 40 લાખ ગાંસડી આવવાની છે એટલે જકાત મુક્તિ મળી એનાથી પાંચથી દસ લાખ ગાંસડી આ વર્ષ કરતા વધારે આવશે તેમ માનવામાં આવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક