• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

અન્યાયી બદલીના આક્ષેપ સાથે અમરેલી ડેપોના 3 કર્મીએ ફિનાઇલ પીધું સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

અમરેલી, તા. 2: અમરેલીના એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા બે ડ્રાઈવર અને એક કંડક્ટરની એસ.ટી.ની સેન્ટ્રલ ઓફિસમાંથી બીજા ડિવિઝનમાં બદલી કરી નાખવામાં આવી છે. જેને લઇને દલિત સમાજ સાથે રાગદ્વેષ રખાતો હોવાના આક્ષેપ સાથે આ ત્રણેય કર્મચારીએ ગઇકાલે ફિનાઈલ ગટગટાવી લેતા તેમને સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડાયા છે.

આ બનાવમાં સૂત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલી ખાતે આવેલા એસ.ટી. ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અનિલભાઈ ભીખાભાઈ વાળા તથા પરેશભાઈ મનુભાઈ ચૌહાણ તથા કંડક્ટર તરીકે ફરજ બજાવતા મનિષભાઈ કાંતિભાઈ વાળા નામના ત્રણેય કાયમી કર્મચારીએ ગઇકાલે બપોરે ચિતલ રોડ પર એરપોર્ટની દિવાલ પાસે બગીચામાં બેસી એક સાથે ફિનાઈલ પી લેતા તેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તાજેતરમાં એસ.ટી. સેન્ટ્રલ ઓફિસ દ્વારા આ ત્રણેય કર્મચારીની નડિયાદ, જૂનાગઢ અને રાજકોટ ડિવિઝનમાં બદલી કરવામાં આવી હતી. આ બદલી વહિવટી કારણોસર કરાયાનું એસ.ટી.એ જણાવ્યું હતું પરંતુ ત્રણેય કર્મચારીએ એવું જણાવ્યું હતું કે તેઓ બે માસ પહેલા કર્મચારીઓને થતા અન્યાય બાબતેના આંદોલનમાં જોડાયા હતા. આથી તેમની સાથે રાગદ્વેષ રાખી આ બદલી કરવામાં આવી હતી. તેઓ તે સમયે અન્ય સામાજિક કાર્યકરો સાથે કર્મચારીઓને થતા અન્યાય અંગે રજૂઆત કરવા ડી.સી. સમક્ષ ગયા હતા. ત્યાર બાદ તેમની બદલી કરવામાં આવી હતી. આ ઘટનાના એસ.ટી. કર્મચારી વતુળમાં ઘેરા પડઘા પડયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક