રાજકોટ, તા. 9 (ફૂલછાબ ન્યૂઝ): બમ્પર ઉત્પાદનના વર્ષ પછી મગફળી માટે સળંગ બીજા વર્ષે રેકોર્ડબ્રેક ઉંચું ઉત્પાદન થવાની ગણતરી મૂકાઇ રહી છે. નવી આવક શરૂ થઇ ચૂકી છે અને પંદરેક દિવસમાં યાર્ડમાં નોંધવાપાત્ર આવક પણ થવાની છે. જંગી પુરવઠાની મોસમ આવી રહી છે ત્યારે નાફેડ પાસે ગુજરાતમાં હજુ ચારેક લાખ ટન જેટલો પુરવઠો પડતર હોવાની ધારણા છે. મગફળીના વેચાણ માટે અલગ અલગ ગોદામોમાંથી રોજ બિડ ભરાય છે પણ કેટલાક ગોદામોમાં માલ બગડી ગયાની ફરિયાદ આવતી હોવાથી વેપારીઓએ ખરીદી બંધ કરી હોવાના સમાચાર છે.
નાફેડે ચાલુ વર્ષે 12.5થી 13
લાખ ટનની ખરીદી ટેકાના ભાવથી કરી હતી. ગુજરાતમાં જંગી ખરીદી થઇ હતી. નવો પાક મોટો છે
અને ટેકાનો ભાવ પણ વધારીને રૂ. 1452 સુધી લઇ જવામાં આવતા નવી મોસમમાં પણ 15 લાખ ટન
કે તેનાથી વધારે મગફળી ખરીદવી પડે તેમ છે. જોકે આ મોસમમાં ખરીદેલા માલમાં બગાડનું પ્રમાણ
લગભગ 10 ટકા જેવું હોવાની ચર્ચા છે. કચ્છ અને મોરબી પંથકમાં આવેલા કેટલાક ગોદામોમાં
મગફળીમાં ડંખ લાગી જઇને પાઉડર થઇ ગયાની ચર્ચા છે. કેટલાક જાણકાર સૂત્રો કહે છે, મગફળીમાં
ફ્યુમીગેશન ન થયું હોય એવી સ્પષ્ટ ધારણા છે.
ફ્યુમીગેશન ન થયું હોય એવા જ
ગોદામોમાં આ પ્રકારની ફરિયાદો આવતી હોય છે. એક વેપારીએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ફ્યુમીગેશન
કરવાનું ફરજિયાત છે. એ ન થયું હોય અથવા માત્ર બતાવવા પૂરતું થયું હોય તો મગફળી બગડી
જાય છે. આવું પ્રમાણ ઓછું છે પણ ભ્રષ્ટાચારને જન્મ આપે તેવું જરૂર છે. કેટલાક ગોદામોમાં ગુણી અને વજનમાં મળતી છૂટનો ગેરલાભ
પણ લેવામાં આવતો હોવાની જાણકારી મળી છે.
નાફેડની માફક અન્ય એક ખાનગી એજન્સી
પાસે પણ પુરવઠો છે. જોકે ઉંચો ભાવ મેળવવાની આશામાં વેચાણ થતું નથી પણ મોડું થશે તો
માલ ગળે ભરાશે એવી વેપારી લાગણી છે.
વેપારીઓ કહે છે, નાફેડના સારાં
માલના ગોદામોમાં રૂ. 5000-5200 વચ્ચે પ્રતિ ક્વિન્ટલ લેખે સોદા થઇ જાય છે. જ્યારે ખાનગી
કંપનીએ ખરીદેલી મગફળીમાં રૂ. 5200થી નીચે નહીં વેચવાલી હઠને લીધે મગફળી પડી રહે છે.
ઉત્તરપ્રદેશમાં પણ કેટલોક જથ્થો પડયો છે જે લાંબા સમયે બગડી જવાનો ભય છે.
ગુજરાતમાં 13 હજાર ગુણીની આવક
થાય છે તેમાં 90 ટકા માલ નવા આવે છે. ગોંડલમાં 7710 ગુણી અને મહુવામાં 1250 ગુણીની
આવક હતી. રાજકોટમાં 900 ગુણીની આવક હતી.