લક્ઝરી ગાડીમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો : 50 હજારની સોપારી આપી હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ : એક સગીર સહિત ત્રણ આરોપીની ધરપકડ : જમીન વિવાદ-નાણાકીય છેતરપિંડી કારણભૂત
અમદાવાદ,
તા. 14: શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો
બનાવ સામે આવ્યો છે. 13 સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ
પાસે આવેલી કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની
તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી. ત્યારે એક નવો ખુલાસો સામે આવ્યો
છે કે આ હત્યા પાછળ રૂદાણી અને અન્ય જાણીતા બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે મનસુખ જેકી વચ્ચે
લાંબા સમયથી ચાલી રહેલો જમીન વિવાદ કારણભૂત છે.
નોંધનીય
છે કે મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઓઢવ
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો
મૃતદેહ કાઢી પીએમ અર્થે ખસેડયો હતો. આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની
ધરપકડ કરી છે. હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ),
પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ શીરોહી, રાજસ્થાન) અને ત્રીજા આરોપીમાં સગીરનો સમાવેશ
થાય છે. ત્રણેય આરોપીને રાજસ્થાનના શીરોહી પાસેથી પોલીસે પકડી લીધા છે.
આરોપીઓએ
નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હિંમતભાઈ રૂડાણીની હત્યા કરી હતી. આ હત્યા માટે પૂર્વ
ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ 50 હજારની સોપારી આપી હત્યા કરાવી હોવાનો ખુલાસો
થયો છે. આરોપી રાહુલ ઉર્ફે હિમાંશુએ પૂછપરછમાં કહ્યું કે, તેને મૃતક હિંમત કનુભાઈ રૂડાણીની
હત્યા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હતી. ત્રણેય આરોપીઓ રાજસ્થાનની
હદમાં પ્રવેશવા જતા પોલીસે દબોચી લીધા હતા.
સૂત્રોના
જણાવ્યાનુસાર, આ બન્ને બિલ્ડરો નિકોલના ગંગોત્રી સર્કલ નજીકના એક જમીનના પ્લોટને લઈને
લાંબા સમયથી લડી રહ્યા હતા. આ વિવાદ 2024ના જાન્યુઆરી મહિનામાં જાહેર થયો હતો, જ્યારે
માલિકી હકને લઈને થયેલી બોલાચાલી બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તપાસ અધિકારીઓએ ખુલાસો
કર્યો કે, હિંમત રૂદાણીના પુત્ર ધવલે મનસુખ લાખાણીના પુત્ર કિંજલ લાખાણી સામે ઈઈંઉ
ક્રાઈમના આર્થિક ગુના વિંગમાં 1.5 કરોડ રૂપિયાની છેતરાપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ
નોંધાવી હતી.
આ સાથે
મનસુખ લાખાણીની અટકાયત કરી લેવામાં આવી છે. મનસુખ લાખાણી અને મૃતક હિંમતભાઈ રૂડાણી
પાર્ટનર હતા અને પૈસાની લેતીદેતીમાં મનદુ:ખ થયું હતું. 2024માં મૃતકના પુત્ર ધવલ રૂડાણીએ
આરોપીના પુત્ર સામે ઇકોનોમિક ઓફેન્સને લઈ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.
ઊઘઠની ફરિયાદ મુજબ, કિંજલ લાખાણીએ કથિત રીતે ધવલ
રૂદાણીની સહીની નકલ કરી અને તેમની સંયુક્ત પેઢી કે.ડી. ડેવલપર્સના નકલી લેટરહેડનો ઉપયોગ
કરીને તેમના સહકારી બેંક ખાતામાંથી 1.5 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. તેના પર ભાગીદારને
જાણ કર્યા વિના કોમર્શિયલ પ્રોજેક્ટની ઘણી દુકાનો વેચવાનો પણ આરોપ છે.
નિકોલના
ગંગોત્રી સર્કલ પાસે ધવલ રૂદાણી અને કિંજલ લાખાણીએ સંયુક્ત રીતે 3 કરોડ રૂપિયાની જમીન
ખરીદી હતી અને 50-50ની ભાગીદારીમાં આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ઊઘઠની એફઆઈઆરમાં આરોપ
છે કે, કિંજલે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેના ભાગીદારને આ પ્રોજેક્ટમાંથી દૂર
કર્યો હતો અને પૈસાની ઉચાપત કરી છે.