લોકોને નોકરી આપવાની લાલચ આપી કરતો હતો છેતરપિંડી
બોટાદ,
તા.1: બોટાદ એલ.સી.બી.ની ટીમે બનાવટી રો અધિકારી તરીકે લોકો સાથે છેતરપિંડી કરનારા
શખસને ઝડપી પાડયો છે. આરોપી પાસેથી જુદા જુદા ઓળખપત્રો તથા મોબાઇલ મળી કુલ રૂ.5000નો
મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.બોટાદ એલ.સી.બી.ના એ.એસ.આઈ. ભગીરથાસિંહ વીરસંગભાઇ
લીંબોલા તથા પો.કોન્સ. રાજેન્દ્રાસિંહ અગરસંગભાઇ ડોડિયાને બાતમી મળી હતી કે, બોટાદના
લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો મહેશ કિસ્મતભાઇ ઇસામલિયા પોતે રો એજન્સીમાં ન હોવા
છતાં રો અધિકારીનું ઓળખપત્ર બનાવી પોતાને રો અધિકારી તરીકે ઓળખાવી લોકોને નોકરી આપવાની
લાલચ આપીને છેતરપિંડી કરી રહ્યો છે. બાતમીના આધારે એલ.સી.બી. ટીમે નાગલપર દરવાજા પાસે
દરોડો પાડી મહેશ કિસ્મતભાઇ ઇસામલિયાને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા શખસ પાસેથી ડિફેન્સ એજન્સીના માર્કા નિશાનીવાળું
બનાવટી ઓળખપત્ર, દૈનિક લોકાર્પણનું ઓળખપત્ર, સાંધ્ય દૈનિક ઓફિસ લખેલું ઓળખપત્ર તથા
રેડમી કંપનીનો એક મોબાઇલ મળી કુલ રૂ.5000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.