• મંગળવાર, 12 મે, 2026

કાલે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ અધ્યક્ષ

-ચૂંટણી નોટિફિકેશન જાહેર : આજે 11 થી 2 સુધી ફોર્મ ભરાયા બાદ બપોરે ચકાસણી, શનિવારે 10 થી 11 વાગ્યે મતદાન

-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 292 ભાજપના નેતાઓ કરશે મતદાન

 

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.2 : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનાં નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને છેલ્લા ઘણા સમયથી અટકળોનો માહોલ જામ્યો છે. રાજકીય વર્તુળોમાં ગુજરાત ભાજપનાં નવા પ્રદેશ પ્રમુખને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જો કે, હવે ગુજરાત ભાજપ પ્રમુખનું એક વર્ષથી ગૂંચવાયેલું કોકડું આખરે ઉકેલાયુ છે. ભાજપે ગુજરાત ભાજપ પ્રમુખની ચૂંટણી જાહેર કરી છે. 3 ઓક્ટોબરના રોજ સવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ બપોરે ચકાસણી થશે. જ્યારે 4 ઓક્ટોબરના રોજ 10થી 11 વાગ્યા સુધી મતદાન બાદ બપોરે મતગણતરી કરાશે. ભાજપના આંતરિક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતાની પસંદગી થવાની શક્યતા છે. આ ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના 292 નેતાઓ મતદાન કરશે.

ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ  મુજબ, 3 ઓક્ટોબરને શુક્રવારના રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે. સવારે 11 થી 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. બપોરે 3થી 4 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે. સાંજે 5થી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે. 4 ઓક્ટોબરના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે. મત ગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 11.30 વાગ્યા સુધી કરવામાં આવશે. આમ, શુક્રવારે ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવશે. શનિવારે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે. પ્રદેશ હોદ્દેદારો સાથે જિલ્લા કક્ષાથી આગેવાનો ઉપસ્થિત રહેશે અને ત્યારે જ કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમમાં નવા પ્રદેશ પ્રમુખ સાંજે જ કાર્યભાર સંભાળી લેશે.

ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ડિસેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતી હોવાથી તેમજ વર્ષ 2027માં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નવા પ્રમુખની પસંદગી કરાશે. પ્રદેશ પ્રમુખની ચૂંટણી જાહેર થતાં કમલમમાં નેતાઓની હલચલ વધી છે. જો કે, શુક્રવાર સવાર સુધીમાં સર્વસંમત ઉમેદવારના નામની જાહેરાત થવાની સંભાવના છે.

દરમિયાન કમલમ ખાતે મંડપ બાંધવાની કામગીરી શરૂ થઈ છે. ચૂંટણીના પગલે નેતાઓ અને કાર્યકરોમાં નામને લઈ અટકળો શરૂ થઈ છે. મુખ્યમંત્રી પાટીદાર સમાજના હોવાથી પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજના આવે તેવી શક્યતા છે. હાલમાં મુખ્યમંત્રી ઘાટલોડિયા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતાં હોવાથી તેમજ સી.આર.પાટીલ દક્ષિણ ગુજરાતમાંથી હોવાથી સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી પસંદગી થવાની શક્યતા છે.

મહત્ત્વનું છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કાગવડના ખોડલધામ સહિત ગુજરાતની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન આનંદીબેન પટેલ ભાજપના અનેક નેતાઓને મળ્યા હતા. આ નેતાઓ પાસેથી આનંદીબેન પટેલે સેન્સ મેળવી રાષ્ટ્રીય નેતાગીરીને મોકલી હોવાની શક્યતા છે. તેથી આનંદીબેન પટેલની મુલાકાત રાજ્યના રાજકારણ માટે ઘણી સૂચક માનવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક